નહેરૂથી લઇ પ્રિયંકા જન્મથી જૂઠ્ઠા : નવા વિડિયોથી વિવાદ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ગુજરાત લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ એડીચોટીનું જોર લગાવી પ્રચાર કરવા લાગી ગયા છે અને પ્રચાર દરમ્યાન ભાન ભૂલી વાણીવિલાસ કરી ઘણીવાર વિવાદીત બફાટ કરી દેતા હોય છે. ત્યારે અમરેલીના લાઠીમાં ભાજપના કાર્યલયના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ફરી એકવાર વિવાદીત નિવેદન કરી બફાટ કરતાં ફસાયા હતા. વાઘાણીએ પોતાના  સંબોધનમાં એટલે સુધી કહી નાંખ્યું હતું કે, કોંગ્રેસમાં જવાહલાલ નહેરૂથી લઈ પ્રિયંકા ગાંધી જન્મથી જૂઠા છે.

બીજીબાજુ, વાઘાણીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતાં ચૂંટણીનું રાજકારણ ગરમાયું હતું. દરમ્યાન વાઘાણીના આ વિવાદીત નિવેદનને લઇ પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, વાઘાણીનું નિવેદન અતિ નિંદનીય અને વખોડવાને પાત્ર છે. વાસ્વમાં લોકસભા ચૂંટણી પહેલાં જ હાર ભાળી ગયેલી ભાજપ હતાશામાં ભાન ભૂલી રહી છે અને તેના નેતાઓ ગમે તેવા બફાટ કરી પોતાની નિરાશા અને હાર જાહેરમાં ઉજાગર કરી રહ્યા છે. અમરેલીના લાઠીમાં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન પોતાના ભાષણમાં જીતુ વાઘાણીએ વિવાદીત નિવેદન કરતાં તમામ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

જીતુ વાઘાણીએ કહ્યું કે આખો ગાંધી પરિવાર જુઠો છે. જવાહરલાલ નેહરુથી લઇને રાહુલ ગાંધી સુધી બધા જુઠા છે. જેમાં પહેલા મા, પછી બેટા અને હવે દીકરી પણ જન્મથી જુઠી છે. ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં આયોજીત આ સભામાં લોકોની પાંખી હાજરીથી અનેક સવાલો ઉઠ્‌યા હતા. ઉદ્ઘાટન સભામાં ખુરશીઓ ખાલી રહેલા સ્ટેજ પર બિરાજમાન નેતાઓ અચરજમાં મૂકાયા હતા. જો કે આ પાછળ આયોજકોએ બચાવ કર્યો હતો કે સભાસ્થળ ટૂંકી જગ્યામાં યોજાઇ જેના કારણે ખુરશીઓ ખાલી રહી હતી. બીજીબાજુ, વાઘાણીના વિવાદીત નિવેદનનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચૂંટણીનું રાજકારણ ગરમાયું હતું. ખાસ કરીને કોંગ્રેસે વાઘાણીના વિવાદીત નિવેદનને વખોડી કાઢી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

Share This Article