અમદાવાદ : અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ નાગરવેલ હનુમાન મંદિર ખાતે તા. ૦૩-૦૬-૨૦૧૯ના રોજ સોમવારે અમાવસ્યાના રોજ શ્રી શનિદેવ જયંતિ મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ દિન નિમિતે નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે સ્થિત ૮૦૦ કિલોની શનિ શિલા પર તેલથી લઘુરૂદ્રાભિષેક કરવામાં આવશે એમ શ્રી નાગરવેલ હનુમાન મંદિરનાગરવેલ મંદિર શ્રી રંગનાથાચાર્યજી મહારાજે જણાવ્યું હતું. સુપ્રસિધ્ધ અને ચમત્કારિક નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે અમાવસ્યા નિમિતે શનિ જયંતિ મહોત્સવના વિશેષ આયોજન અને કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.
આ અંગે શ્રી નાગરવેલ હનુમાન મંદિરનાગરવેલ મંદિર શ્રી રંગનાથાચાર્યજી મહારાજે નગરજનો અને શ્રધ્ધાળુ ભકતોને આ પવિત્ર દિવસે નાગરવેલ હનુમાન અને શનિ મહારાજના ખાસ દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રાચીન અને ઐતિહાસિક એવા નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે આવેલ શ્રી શનિદેવની મૂર્તિને તા.૩જી જૂનના રોજ સોમવારે ભવ્ય રીતે શ્રૃંગાર દ્વારા સજાવવામાં આવશે. સવારે ૧૦-૦૦થી ૧-૦૦ કલાકે ૮૦૦ કિલોની શનિ શિલા પર સરસોના તેલથી લઘુરૂદ્રાભિષેક કરવામાં આવશે. તો, સાંજે ૫-૦૦થી ૮-૦૦ શનિ હવન અને રાત્રે ૮- ૩૦ કલાકે શનિદેવની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ દિવસે હજારો શનિભક્તો સરસોનું તેલ, કાળુ કાપડ, કાળા અડદ, કાળી છત્રી, કાળા બુટ-ચંપ્પલ, લોખંડની વસ્તુઓ શનિદેવને અર્પણ કરી વિશેષ પુણ્ય મેળવશે. શ્રી રંગનાથાચાર્યજી મહારાજે વધુમાં ઉમેર્યું હતું કે, શાસ્ત્રોમાં પણ શનિ અમાવસ્યાનો અનેરો મહિમા વર્ણવાયેલો હોઇ શ્રધ્ધાળુ ભકતોએ આ દિવસે શકય એટલો શનિદેવનો જાપ અને મંત્ર ઉચ્ચારણ કરી તેમને યથાશકિત ઉપરોકત વસ્તુ અર્પણ કરી દાન-ધર્મ કરી પુણ્યનું ભાથુ બાંધવુ જાઇએ કારણ કે, તે અનેકગણું ફળ આપનારું બની રહે છે.