કોહિમા: કેરળ બાદ હવે દેશના પૂર્વોતર રાજય નાગાલેન્ડમાં પણ પુરની સ્થિતી ચિંતાજનક બની રહી છે. હજુ સુધી એક ડઝનથી વધારે લોકોના મોત થયા છે. પ્રદેશના કેટલાક ભાગો સંપર્કવિહોણા થઇ ગયા છે. કેન્દ્રિય અધિકારીઓની એક ટીમ સરહદી રાજ્યમાં પુરના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે પહોંચી ગઇ છે. જે પુરના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરીને રિપોર્ટ તૈયાર કરનાર છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના સંયુક્ત સેક્રેટરી કેબી સિંહના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય ટીમ નાગાલેન્ડ પહોંચી ચુકી છે. આ ટીમે દીમાપુર અને અન્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. અધિકારીઓની આ ટીમ ખેડુતોને પણ મળી હતી.
ખરાબ હવામાનના કારણે આ ટીમ કેટલાક વિસ્તારમાં પહોંચી શકી ન હતી. નાગાલેન્ડમાં પણ સતત વરસાદના કારણે ત્રણ જિલ્લા તુએનસૈંગ, કિફિરે અને ફીક છેલ્લા ૧૫ દિવસથી રાજ્ય સાથે સંપર્ક વિહોણા થયા છે. આશરે ૬૦૦ ગામ પુરના સકંજામાં આવી ગયા છે. માર્ગોની ૩૫૯ લોકેશન સંપૂર્ણપમે કપાઇ ચુકી છે. જેના કારણે રાજ્યને ભારે સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. પુરના કારણે ત્રણ હજારથી વધારે પરિવાર વિસ્થાપિત થયા છે. આવી જ રીતે તેમની કરોડોની સંપત્તિને ભારે નુકસાન થયુ છે.
નાગાલેન્ડ સરકારને મોનસુન અને ભેંખડો ધસી પડવાના કારણે થયેલા નુકસાનની ભરપાઇ માટે આશરે ૮૦૦ કરોડ રૂપિયાની સહાયની જરૂર છે. પુર અને વરસાદના કારણે હજુ સુધી આ રાજ્યમાં ૧૨ લોકોના મોત થયા છે. માર્ગોને પણ ભારે નુકસાન થયુ છે. છેલ્લા એક મહિનામાં ૫૩૦ ગામોના આશરે ૫૦ હજાર લોકોની સાથે કોઇ પણ પ્રકારનો સંપર્ક થઇ શક્યો નથી.મુખ્યપ્રધાન નેફ્યુ રિયોની સોશિયલ મિડિયા પર અપીલ બાદ ટીમ નાગાલેન્ડ પહોંચી ગઇ છે.