ગુવાહાટી : ભારતીય હવાઈ દળના લાપતા થયેલા એએન-૩૨ વિમાનની યુદ્ધસ્તર પર શોધખોળ ચાલી રહી છે ત્યારે હજુ સુધી આ વિમાનના સંદર્ભમાં કોઈ માહિતી મળી શકી નથી. વ્યાપક તપાસ ચાલી રહી હોવા છતાં કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. આ વિમાન અરૂણાચલ પ્રદેશમાં ચીન સરહદ નજીક બે દિવસ પહેલા લાપતા થઈ ગયું હતું. વિમાનમાં ૧૩ લોકો યાત્રા કરી રહ્યા હતા. અધિકારીઓએ લાપતા થયેલા વિમાનની શોધખોળ માટે જુદા જુદા વિમાનોની મદદ લીધી છે. નોકા સેનાના પી-૮ આઈ વિમાનની મદદ લેવામાં આવી છે. આજે હવાઈ દળે પણ સર્ચ ઓપરેશનમાં અન્ય વિમાનોને તૈનાત કર્યા છે. જેમાં સુખોઈ-૩૦, સી-૧૩૦ જે વિમાન અને એમઆઈ-૧૭ અને એએલએચ હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી રહી છે.
લાપતા વિમાને આસામના જારહાટથી સોમવારના દિવસે બપોરે ઉઠાણ ભરી હતી. આ વિમાન અરૂણાચલ પ્રદેશના મેચુકા તરફ જઈ રહ્યું હતું પરંતુ ૩૫ મિનિટના ગાળા બાદ જ આ વિમાનનો સંપર્ક તુટી ગયો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા અને વિંગ કમાન્ડર રત્નાકર સિંહે માહિતી આપતા કહ્યું છે કે, સેના, ભારત-તિબેટ સરહદ પોલીસ અને અન્ય સરકારી તથા નાગરિક સંસ્થાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. અલબત રત્નાકર સિંહે કહ્યું છે કે, વિમાનના સંદર્ભમાં કોઈ માહિતી મળી શકી નથી. કાટમાળ અંગે પણ કોઈ માહિતી મળી શકી નથી. જુદા જુદા વિમાનો દ્વારા શોધ કરવામાં આવી રહી છે. બીજી બાજુ કોંગ્રેસના પ્રવક્તા રણદિપ સુરજેવાલાએ એએન-૩૨ વિમાન લાપતા થવાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, આખરે આટલા ખતરનાક રૂટ ઉપર વિમાનને કેમ મોકલવામાં આવ્યું હતું.
જ્યારે અમારી પાસે સારા વિકલ્પ છે ત્યારે આવા રૂટનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો છે. બીજી બાજુ સરકારે એએન-૩૨ વિમાનના કાફલાને બદલી નાખવા માટે હજુ સુધી સંરક્ષણ બજેટમાં કોઈ પણ પ્રકારની જાગવાઈ કરી નથી. નોકા સેનાના પ્રવક્તાએ શોધખોળ અભિયાનના સંદર્ભમાં માહિતી આપતા કહ્યું છે કે, પી-આર આઈ વિમાનમાં ખુબ શક્તિશાળી રઠાર લાગેલા છે. જેનો ઉપયોગ લાપતા વિમાનના સંદર્ભમાં માહિતી મેળવા માટે કરવામાં આવે છે. લાપતા વિમાનની શોધખોળ માટે ઈસરોના વિમાનની પણ મદદ લેવામા આવી રહી છે. ઈસરોના સેટેલાઈટ મારફતે પણ માહિતી મેળવવાના તમામ પ્રયાસ થઈ રહ્યા છે. સોમવાર બાદથી આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી. જેથી ચિંતા પ્રવર્તી રહી છે.