મારા શુભેચ્છકો મારું મંદિર છે, તેથી તેમને ખુલ્લાં પગે મળવા જાઉં છુ : અમિતાભ બચ્ચન

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દર રવિવારે જૂહુ સ્થિત પોતાનાં બંગલો ‘જલસો’ની બહાર દેશનાં ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં આવતા પ્રશંસકોને મળે છે. તેમણે વર્ષોથી આ ક્રમ જાળવી રાખ્યો છે. નવાઈની વાત છે કે તેઓ પોતાના પ્રશંસકોને મળવા માટે ખુલ્લાં પગે જાય છે. આ અંગેનું કારણ તેમણે પોતાનાં બ્લોગમાં જણાવ્યું છે. બ્લોગમાં તેમણે પોતાનાં ઘરની બહાર પ્રશંસકોનું અભિવાદન ઝીલતી કેટલીક તસવીરો શેર કરી હતી. તેમણે કાળઝાળ ગરમીમાં પ્રશંસકો માટે મૂકેલા પાણીનાં જગની તસવીરો પણ શેર કરી હતી. તેમણે લખ્યું હતું, “મારા પ્રશંસકો કાળઝાળ ગરમીમાં કલાકો સુધી મારી રાહ જોતાં હોય છે. તેથી તેમની તરસ છીપાવવા ગેટની બંને બાજુ બે-બે મળીને ચાર કન્ટેનર મૂક્યાં છે.

આ ઉપરાંત, દિવસ રાત કાયમ માટે માટલું પણ મૂકેલું હોય છે.”  બિગ બી પોતાના પ્રશંસકોને (જેમણે તેઓ પ્રેમથી એક્સ્ટેન્ડેડ ફેમિલી કહે છે) શા માટે ખુલ્લાં પગે મળે છે એ અંગેનું રહસ્ય ખોલતાં તેઓ જણાવે છે, “કેટલાંક લોકોએ વ્યંગ કરતાં કહ્યું હતું કે ફેન્સને મળવા મોજા પહેરીને, ખુલ્લાં પગે મળવા કોણ જાય છે? મેં કહ્યું, હું.. તમને કોઇ વાંધો છે? તમે મંદિરમાં ખુલ્લાં પગે નથી જતાં. મારા શુભેચ્છકો મારું મંદિર છે.”

Share This Article