માતૃત્વ વિશે હું તો શું કહું…મારા આ નવા જન્મ વિશે હું શું કહું…હજી તો માત્ર ચારેક વર્ષનો જ અનુભવ માતા તરીકેનો…એક સુંદર અનુભવ…મેં મારી જાતને માતા કરતાં મિત્ર તરીકે જ મૂકવાનો નિર્ણય કરેલો…અત્યાર સુધી તો આ નિર્ણય સફળ પણ રહ્યો છે.
મારા બાળપણમાં મેં મારી માતાની જોયેલી અને જીવેલી દરેક ક્ષણો સ્મરણમાં રાખી છે, જેથી મને માતાએ શું કરવું અને માતા પાસેથી એક સંતાન શું અપેક્ષા રાખે તે સમજાય છે. મારી દીકરી મારો પડછાયો બનશે કે કંઈ બીજુ બનશે તે તેનો નિર્ણય રહેશે, પણ મારા માટે આ સુવર્ણ સમય છે. હું તેની સાથે ૨૪ કલાક નથી રહેતી…પણ મારો પ્રેમ, મારી વાતો, મારી મસ્તી, મારી શુગરકોટેડ શીખ તેની પાસે હંમેશા રહે છે. તે મને હંમેશા મમ્મા કહીને નથી બોલાવતી…ક્યારેક મારા હુલમણા નામથી મને બોલાવે છે તો ક્યારેક નવા નવા નામથી સંબોધિત કરે છે. તેને એવુ લાગે છે કે મમ્માને બધુ જ કહેવાય…અને તેની આ વાત મને સફળ માતા બનવા તરફ લઈ જાય છે. તેણે કરેલી મસ્તી, તેણે કરેલા તોફાન, તેની અંદરની તમામ ઈચ્છાઓ તે મારી સમક્ષ રજૂ કરે છે. મારું રીએક્શન તેના ચહેરા પર સ્મિત લાવી દે છે.
આમારી માતા-પુત્રીની જોડી યુનિક છે. મેં તેને કોઈ કોમન હાલરડા સંભળાવીને મોટી નથી કરી. અમારા હાલરડા, અમારા બાળગીતો અમે કસ્ટમાઈઝ કરેલા છે. એટલે સુધી કે અમારી બીટ્સ અને મ્યૂઝિક પણ અમારા…આ પ્રયાસ એક તરફી નથી…મારી નાની ઢીંગલી પણ ગીત ગાય છે…
કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી,
મમ્માની દિકી લાડકીને મમ્મા ઝૂલાવે ડાળખી….
તેણે નાનપણથી મને અટપટા ગીતો બનાવતા સાંભળી છે…તેનું ભણતર અને ઘડતર કલા સાથે હોય તે સહજ છે. તેને ઘરથી સ્કૂલ સુધીનો રસ્તો બધા લેન્ડમાર્ક સાથે યાદ છે કારણકે તેણે આખા રસ્તાને એક ગીતમાં વણી લીધો છે. આવી તો જેટલી વાતો કરું તેટલી ઓછી છે. આજે મધર્સ ડે પર દરેક લોકો પોતાની માતાને શુભેચ્છા પાઠવશે..હું પણ પાઠવીશ, પણ સાથે સાથે હું મારી દીકરીને પણ થેન્કયુ કહીશ કે જેને મને અવસર આપ્યો આ દિવસને ઉજવવાનો.
જીવનમાં મળેલ બેસ્ટ ફ્રેન્ડ એટલે મારી દીકરી..
હંમેશા લાઈવ રહેવાનું મોટીવેશન એટલે મારી દીકરી..
મને માતાનું અમુલ્ય પદ આપનાર એટલે મારી દીકરી..
મને મારાથી વાકેફ કરાવનાર એટલે મારી દીકરી
-પ્રકૃતિ ઠાકર