સંગીત ક્ષેત્રે પ્રતિભા ધરાવનાર માટે સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંગીત સ્પર્ધાનું આયોજન આકાશવાણી, નવી દિલ્હી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આકાશવાણી સંગીત સ્પર્ધા – ૨૦૧૮ માટે આકાશવાણી અમદાવાદ પર પ્રાથમિક સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉમેદવારની ઉંમર ૩૦મી જૂન, ૨૦૧૮ના રોજ ૧૬ થી ૨૪ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
સંગીત સ્પર્ધા હિન્દુસ્તાની કે કર્ણાટક સંગીતમાં યોજાશે. જેમાં શાસ્ત્રીય કંઠ્ય, શાસ્ત્રીય વાદ્ય, ઉપશાસ્ત્રીય કંઠ્ય સંગીત માત્ર હિન્દુસ્તાની માટે જ, સુગમ કંઠ્ય, લોક સંગીતમાં લોકગીતો, ભજન અને લોકવાદ્ય સંગીત તથા વૃંદગાન, પાશ્ચાત્ય સંગીત (કંઠ્ય, વાદ્ય અને બેન્ડ)નો સમાવેશ થાય છે. પ્રાથમિક સ્પર્ધાના વિજેતાઓને નિર્ણાયક સ્પર્ધા માટે ધ્વનીમુદ્રિત કરવામાં આવશે અને વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવશે. આ માટેની પ્રાથમિક સંગીત સ્પર્ધાનું આયોજન ૯ જુલાઈ થી ૨૭ જુલાઈ,૨૦૧૮ દરમિયાન કરવામાં આવશે. આ માટેનાં નિયત અરજી પત્ર આકાશવાણીના નજીકનાં કેન્દ્ર પરથી રજા સિવાયના દિવસોમાં કાર્યાલયના સમય દરમિયાન રૂબરૂ મેળવી શકાશે.
સ્પર્ધાની ફી પેટે અરજી પત્ર સાથે રૂ. ૫૦૦/-નો ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રસાર ભારતી, ઓલ ઈન્ડિયા રેડીયો, અમદાવાદના નામનો કરવાનો રહેશે. ઉમેદવાર આકાશવાણીનો માન્ય કલાકાર ન હોવો જોઈએ તથા અગાઉ આવી કોઈ સ્પર્ધામાં ઈનામનો વિજેતા ન હોવો જોઈએ. અરજી પત્રો પહોંચાડવાની છેલ્લી તારીખ ૮ જૂન ૨૦૧૮ને શુક્રવાર રહેશે.