અમદાવાદ: શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રામદેવનગર ચાર રસ્તા પાસે યુવતીની છેડતી અને મારામારીની બનેલી ઘટનામાં એક યુવકનું મોત નીપજ્તાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. યુવતીની છેડતી બાબતે આરોપી યુવકે અન્ય યુવકને છરીના ઘા ઝીંકી દઇ તેની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. સેટેલાઇટ પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના રામદેવનગર ચાર રસ્તા પાસે આવેલા વાલ્મીકિ વાસમાં મિલન ઉર્ફે સંજય બાબુભાઇ વાઘેલા તેના પરિવાર સાથે રહે છે. તેમના જ વાસમાં અમિત ચંદ્રકાંતભાઇ રિજાકર પણ તેના પરિવાર સાથે રહે છે. ગઇકાલે રાત્રે ૧૦-૧પની આસપાસ બહાર જાહેર રોડ પર સંજય પસાર થતો હતો દરમ્યાનમાં બહાર ઊભેલી હિના રિજાકરની સંજયે છેડતી કરી હતી. જે મામલે બોલાચાલી થઇ હતી. બોલાચાલી થતાં સંજયના ફોઇનો દીકરો અને અન્ય સંબંધીઓ દોડી આવ્યા હતા. બીજી તરફ અમિત રિજાકર પણ ત્યાં આવી બોલાચાલી કરી હતી.
બંને પક્ષે મારામારી સુધી વાત પહોંચી ગઇ હતી. અમિતે તેની પાસે રહેલ તીક્ષ્ણ હથિયારથી સંજયના ફોઇના દીકરા યશ પુરબિયા (ઉ.વ.રર)ને શરીર પર ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જો કે, ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવ બાદ આરોપી અમિત રિજાકર ફરાર થઇ ગયો હતો. છેડતી અને મારામારી બાબતે હિનાએ સંજય સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી, જ્યારે સંજયે તેના ફોઇના દીકરાની હત્યા મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. જો કે, હત્યાના આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.