અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્ટી પ્લોટ કે હોલ બુક કરાવતાં પહેલાં નાગરિકોએ એક વખત પાર્ટી પ્લોટ અને હોલની રૂબરૂ મુલાકાત લઇ તમામ સુવિધા અને વ્યવસ્થાની ખરાઇ કરી લેવી નહી તો, તેમના પ્રસંગની મજા બગડી શકે છે. શહેરના ખોખરા વિસ્તારના સ્થાનિક રહીશને અમ્યુકોના જ ખોખરામાં આવેલા પાર્થ પાર્ટી પ્લાટનો કડવો અનુભવ થયાનું સામે આવ્યું છે. બહેનના લગ્નના આગલા દિવસે જ તેઓ પાર્ટી પ્લોટ પર ગયા તો ખબર પડી કે, ત્યાં પાણી, લાઇટ સહિતની કોઇ સુવિધા કે વ્યવસ્થા જ નથી. તેમણે અમ્યુકો તંત્રને ફરિયાદ કરી તો, તંત્રના માણસોએ એવો ઉડાઉ જવાબ આપ્યો કે, એ તો જે પ્લોટ બુક કરાવે તેણે જ બધી વ્યવસ્થા કરવી પડે.
વાસ્તવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો પણ તેમના લગ્ન પ્રસંગ સહિતના પ્રસંગો સારી રીતે પાર પાડી શકે તેવા ઉમદા આશયથી પાર્ટી પ્લોટ, કોમ્યુનીટી હોલ ઉભા કરવામાં આવ્યા છે. આવા હોલ કે પ્લોટ બાંધવા માટે કેટલાક દાનવીર દાતાઓએ પણ સેવાભાવનાથી દાન આપ્યા હતા. પરંતુ તેનો ઉમદા હેતુ તંત્રની ઉદાસનીતા અથવા તો નિષ્ક્રિયતાના કારણે જળવાતો નથી. એસ્ટેટ વિભાગના અધિકારીઓને નાગરિકોની આ જેન્યુઇન સમસ્યા દેખાતી નથી અને તેનો નીવેડો લાવવામાં પણ કોઇ રસ ના હોય તેવું ઉપરોકત ઘટના પરથી પ્રતીત થઇ રહ્યું છે. બીજીબાજુ સમગ્ર ઘટનાની જાણ દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે.એસ.પ્રજાપતિને થતાં તેમણે વ્યવસ્થા કરાવી અપાવવાની હૈયાધારણ આપી હતી. જા કે, નાગરિકો માટે આ ચેતવા જેવો કિસ્સો સામે આવતાં તેને લઇ ભારે ચર્ચા ચાલી હતી.