અમદાવાદ : રાજ્યના ખેડૂતોને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવો આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યમાં મગ તથા અડદની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે માટે પહેલી ડિસેમ્બરથી રજિસ્ટ્રેશન થશે અને ૧૦મી ડિસેમ્બર સુધી ૨૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી ખરીદી કરાશે. રાજ્યમાં મગ અને ૩૦ તથા અડદ માટે ૬૨ મળી કુલ ૯૯ ખરીદ કેન્દ્રો કાર્યરત કરીને ટેકાના ભાવે ખરીદી કરાશે એમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કેએમએસ-૧૮માં લઘુત્તમ ટેકાના ભાવે મગ રૂપિયા ૬૯૭૫ પ્રતિ ક્વિન્ટલ અને અડદ રૂપિયા ૫૬૦૦ પ્રતિ ક્વિન્ટલ ખરીદી કરવાનું નક્કી કરાયું છે જે ખેડૂતો પોતાનો મગ-અડદનો જથ્થો વેચવા માંગતા હોય તેઓએ આઈપીડીએસ પોર્ટલ પર ઓનલાઈન ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઇન રજિસ્ટ્રેશન ૧-૧૨-૧૮થી શરૂ કરી ૩૧-૧૨-૧૮ સુધી થઇ શકશે તથા રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ ચાલુ વર્ષમાં મગ તથા અડદના વાવેતરના ઉલ્લેખ સાથેના નમૂના ૭/૧૨, ૫-અ, આધાર કાર્ડ તથા બેંકની વિગતો રજૂ કરવાની રહેશે. ૭/૧૨માં વાવેતરનો ઉલ્લેખ ના હોય તો વાવેતર અંગે તલાટી અથવા ગ્રામ સેવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. મગ તથા અડદનો જથ્થો ભારત સરકાર દ્વારા નિયત કરેલ ધારા ધોરઅ અનુસાર ફેર એવરેજ ક્વોલિટી મુજબનો ખરીદવામાં આવશે. આ અંગે ખેડૂતોએ વધુ વિગતો માટે નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના તાલુકા ગોડાઉનના મેનેજર તથા જિલ્લા કચેરીના નાયબ જિલ્લા મેનેજરનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.