લંડન : એક અમેરિકી સાયબર એક્સપર્ટે દાવો કર્યો છે કે ઈલેકટ્રોનિક વોટીંગ મશીનને હેક કરવામાં આવી શકે છે. લંડન ઈવીએમ હેકથોનને લઈને ખળભળાટ મચી ગયો છે. લંડનમાં ચાલી રહેલા હેકથોનમાં સાયબર એક્સપર્ટે દાવો કર્યો હતો કે ભાજપના નેતા ગોપીનાથ મુંડેની ૨૦૧૪માં હત્યા કરવામાં આવી હતી. નિષ્ણાત સઈદ સુઝાનું કહેવું છે કે મુંડે ઈલેકટ્રોનિક વોટીંગ મશીનને હેક કરવાના સંદર્ભમાં માહિતી ધરાવતા હતા. ભારતમાં ઉપયોગ કરવામાં આવતા ઈવીએમને ડિઝાઈન કરનાર નિષ્ણાતોનું કહેવું છે કે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં પણ ગેરરીતિ કરવામાં આવી હતી.
સુઝાએ દાવો કર્યો છે કે ૨૦૧૪ની સામાન્ય ચુંટણીમાં પણ ઈવીએમમાં ગેરરીતિ કરવામાં આવી હતી. આ હેકથોનમાં કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ ભારતીય ચુંટણી પંચે ક્હ્યું છે કે ભારતમાં ઉપયોગમાં આવતા ઈવીએમ સંપૂર્પણે સુરક્ષિત છે. ઇન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશન તરફથી લંડનમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચુંટણી પંચે હંમેશા દાવો કર્યો છે કે ભારતમાં ઉપયોગ કરાતા ઈવીએમ સાથે ચેડાં થઈ શકે નહીં પરંતુ અહીં નિષ્ણાતોએ દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. હેકીંગના સંદર્ભમાં ગોપીનાથ મુંડને માહિતી હતી જેથી તેમની હત્યા કરવામાં આવી હતી. ચુંટણી પંચે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અમારા ધ્યાનમાં આવ્યું છે લંડનમાં એક ઈવેન્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈસીઆઈ દ્વારા ઉપયોગ કરવામાં આવતા મશીનોમાં ચેડા થઈ શકે છે.
ઈસીઆઈ આ મામલામાં કોઈ પાર્ટી બનવા ઈચ્છુક નથી. ઈસીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભારતમાં ઉપયોગ કરવામાં આવતા ઈવીએમ ભારત ઈલેકટ્રોનિક એન્ડ કોર્પોરેશનલ ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા કઠોર ધારા ધોરણ ઉપર તૈયાર કરવામાં આવે છે. ૨૦૧૦માં રચવામાં આવેલી નિષ્ણાતોની કમિટીની દેખરેખમાં કામ થાય છે. તેનું કહેવું છે કે આ મામલામાં કાયદાની મદદ લઈ શકાય છે કે કેમ તેમ ધ્યાન અપાશે. બીજી બાજુ ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ દાવો કર્યો છે કે કોંગ્રેસની પાસે ઘણા ફ્રીલાન્સરો છે જે મોદીને દુર કરવા માટે પાકિસ્તાન પહોંચી જાય છે. આગામી ચુંટણીમાં હારને જાઈને હવે હેકીંગ હોરર શો બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. કપિલ સિબ્બલની હાજરી કોઈ સંજાગ નથી.