મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત ઉદ દાવાના લીડર હાફિજ સઇદ અને તેના ૧૨ સાગરીતોને ટુંક સમયમાં જ પકડી લેવામાં આવે તેવા સંકેતો દેખાઇ રહ્યા છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. ત્રાસવાદી હાફિજ અને તેના સાથીઓ સામે કાર્યવાહી થવાની બાબત સપાટી પર આવી રહી છે. ૨૨મી જુલાઇના દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે વાતચીત કરે તે પહેલા આ ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ જાહેરમાં કેટલીક વખત કહી ચુક્યા છે કે ત્રાસવાદીઓની સામે પાકિસ્તાન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અમેરિકાએ ત્યારબાદ પાકિસ્તાનને ધમકી પણ આપી હતી. સાથે સાથે પાકિસ્તાનને આપવામાં આવતી સહાયને રોકી દેવાની જાહેરાત કરી હતી.
એફએટીએફ દ્વારા પણ પાકિસ્તાનની સામે કાર્યવાહી કરવા માટેની તૈયારી કરી લીધી છે. આવી સ્થિતીમાં હાફિઝ સઇદ પર કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવી શકે છે. હાફિઝ સામે કાર્યવાહી અમેરિકા સાથે સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં પહેલ તરીકે ગણવામાં આવે છે. હાફિઝ અને તેના સાથીઓની સામે કેટલાક કેસ પણ દાખલ કરવામાં આવી ચુક્યા છે. બુધવારના દિવસે હાફિઝ સહિત ૧૩ ત્રાસવાદીઓની સામે ૨૩ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. પ્રતિબંધિત સંગઠનોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.