મુંબઇ : મહારાષ્ટ્રના પાટનગર મુંબઇમાં ગુરૂવારે રાત્રે છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન નજીક ફુટ ઓવરબ્રિજ ધરાશાયી થવાના મામલે હવે ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. મામલામાં આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં આઇપીસીની જુદી જુદી કલમો હેઠળ મધ્ય રેલવે અને બીએમસીના અધિકારીઓની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે આ બનાવમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને પાંચ પાંચ લાખ રૂપિયા અને ઘાયલ થયેલા લોકોના પરિવારને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બનાવમાં ઉચ્ચ સ્તરીય તપાસનો પણ આદેશ આપ્યો છે. સરકારે નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી છે. વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ પણ બનાવ અંગે દુખ વ્યકત કર્યુ છે.બીજી બાજુ મુંબઈના સીએસટી સ્ટેશન ઉપર ફુટ ઓવરબ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં મોતનો આંકડો વધી રહ્યો છે.
હવે મોતનો આંકડો છ પર પહોંચી ગયો છે. ઘાયલ થયેલા લોકો પૈકી ચારથી પાંચ લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. બીજી બાજુ ઘાયલ થયેલા તમામ ૪૦ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. છત્રપતિ શિવાજી ટર્મિનસના પ્લેટફોર્મ નંબર ૧ પર બનેલો બ્રિજ એકાએક ધરાશાયી થયો હતો. સીએસટી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ અને બીટી લેનની વચ્ચે બનેલો ફુટઓવરબ્રિજ તુટી પડ્યો હતો. બ્રિજ ધરાશાયી થતાં અનેક લોકો તેના સકંજામાં આવી ગયા હતા.
આ બનાવ બાત તરત જ ઘટનાસ્થળે પહોંચેલી રેલવે પોલીસની ટીમ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમોએ સ્થાનિક લોકોની મદદથી લોકોને કાટમાળ હેઠળથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી. મોટાપાયે બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઈ છે. ગંભીરરીતે ઘાયલ થયેલા લોકોને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. એનડીઆરએફ, મુંબઈ પોલીસ અને રેલવે પોલીસની ટીમો બચાવ અને રાહત કામગીરીમા લાગી હતી. બીએમસી પર પ્રશ્ન થઇ રહ્યા છે. લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.