ભારતનું ભાવિ સુરક્ષિત હાથમાં છે : મુકેશ અંબાણીએ દાવો કર્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : ગુજરાતના ગાંધીનગરમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રિલાયન્સના વડા મુકેશ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રશંસા કરી હતી. યુનિવર્સિટીના સાતમાં પદવીદાન કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ સંબોધન કરતા અનેક વિષય ઉપર વિસ્તારપૂર્વક વાત કરી હતી. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, આગામી વર્ષોમાં પીડીપીયુ એટલે કે પંડિત

દિનદળાય ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી વિશ્વની ૧૦૦ યુનિવર્સિટીમાં સામેલ થશે. આ પદવીદાન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મેડલ અને પદવી એનાયત કરવામાં આવી હતી. મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, હુ જ્યારે પણ ગુજરાત આવું છુ ત્યારે મારુ ગુજરાતી હોવાનું ગૌરવ વધી જાય છે.

ગુજરાતે હંમેશા દેશને એક અલગ ઓળખ આપી છે. ગુજરાતની આ સંસ્થા દેશ માટે આદર્શ બની રહી છે. અમિત શાહની પ્રશંસા કરતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, અમિત શાહ સાચીરીતે કર્મયોગી તરીકે છે. શાહને સરદાર વલ્લભભાઈ પટેલની જેમ જ હવે લોખંડી પુરુષ તરીકે પણ કહી  શકાય છે. ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીની પ્રસંશા કરતા અંબાણીએ કહ્યું હતું કે, પીડીપીયુને ખુબ મદદ કરવામાં આવી છે. અંબાણીએ આ પ્રસંગે પીડીપીયુના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સ્ટાફ અને વાલીઓનો આભાર માન્યો હતો.

મોબાઇલ ડેટા વપરાશમાં આજે ભારત દુનિયામાં નંબર વન બની ગયું છે. પોતાના અંગ્રેજી ભાષણ વચ્ચે અંબાણીએ ગુજરાતમાં કહ્યું હતું કે, અમદાવાદ તો વાણિયાનું સિટી કહેવાય. મુકેશ અંબાણીએ દાવો કર્યો હતો કે, આગામી વર્ષોમાં પીડીપીયુ વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા તરીકે ઉભરી આવશે. અમેરિકા જેવી ટ્રિલિયન અર્થ વ્યવસ્થા ભારતને બનવું હોય તો પેટ્રોલિયમ અને ઉર્જા વગર આ બાબત શક્ય નથી. મુકેશ અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યુ ઇન્ડિયા સંકલ્પની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, મોદીએ જે સપના જાયા છે તેને પૂર્ણ કરવા માટે દેશ સંપૂર્ણપણે તૈયાર છે. અમિત શાહ, નરેન્દ્ર મોદી, રૂપાણી અને અન્યોની મુકેશ અંબાણી પ્રશંસા કરી હતી. મુકેશ અંબાણી કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ દુનિયાના સૌથી મોટા અર્થતંત્રમાં સ્થાન મેળવવા માટે આગેકૂચ કરી રહ્યું છે. ટૂંકાગાળામાં જ દેશે એક પછી એક સિદ્ધિઓ તેમના નેતૃત્વમાં મેળવી છે. અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા દેશમાં વ્યાપક તકો રહેલી છે. વિદ્યાર્થીઓ સૌભાગ્યશાળી છે જેમને શક્તિશાળી નેતાના નેતૃત્વમાં આગળ વધવાની તક મળી રહી છે.

Share This Article