કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુખવિંદર સુખુ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસના ધારાસભ્યો દળની બેઠક બાજ પર્યવેક્ષકોએ સુક્ખૂના નામની જાહેરાત કરી છે. તો મુકેશ અગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી હશે. ઉલ્લેખનીય છે કે બે દિવસથી હિમાચલના નવા મુખ્યમંત્રીને લઈને જે સસ્પેન્સ ચાલી રહ્યું હતું તેના પરથી પડદો ઉઠી ગયો છે. હિમાચલના નવા મુખ્યમંત્રીનો શપથ સમાહોર ૧૧ ડિસેમ્બરે થશે.
કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બાદ પર્યવેક્ષક ભૂપેશ બઘેલે કહ્યું, ‘ધારાસભ્યોએ હાઈકમાન્ડને જવાબદારી સોંપી હતી. હાઈકમાન્ડે સુખવિંદર સુખુને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા અને પછી તેમને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા. તેમણે જણાવ્યું કે મુકેશ અગ્નિહોત્રીને હિમાચલના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. ૮ ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારથી હિમાચલમાં સીએમને લઈને હોબાળો મચી ગયો હતો. શુક્રવારે સીએલપીની બેઠક પહેલા પ્રતિભા સિંહ અને સુખવિંદર સુખુના સમર્થકો વચ્ચે સૂત્રોચ્ચાર જોવા મળ્યો હતો.
નિરીક્ષકોએ જણાવ્યું હતું કે સીએલપીની બેઠકમાં ધારાસભ્યોએ એક લીટીનો ઠરાવ પસાર કર્યો હતો જે હાઈકમાન્ડને મુખ્યમંત્રી નક્કી કરવા માટે અધિકૃત કરે છે. વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ જનાદેશની સાથે મળેલી જીત છતાં કોંગ્રેસને ૬ વખતના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના નિધનથી ઉભી થયેલા શૂન્યની ભરપાઈ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસને ધારાસભ્ય દળના નેતાને લઈને સહમતિ બનાવવામાં ખુબ મહેનત કરવી પડી છે. ધારાસભ્ય દળના નેતા રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે.