મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ધરખમ ક્રિકેટર એમએસ ધોનીએ આજે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ઉપલપ્ધ ન રહેવાની જાહેરાત કરી હતી. સાથે સાથે આગામી બે મહિના પોતાની રેજિમેન્ટ સાથે ગાળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વેસ્ટ ઇન્ડિઝના આગામી પ્રવાસ માટે ટીમની પસંદગી કરવામાં આવે તેના એક દિવસ પહેલા ધોનીએ આ અંગેની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ધોનીની નિવૃતિને લઇને ચર્ચા ચાલી રહી છે ત્યારે ધોનીએ આજે આ મુજબની વાત કરી હતી. જો કે ધોનીએ હાલમાં નિવૃતિ લેવાની કોઇ યોજના હોવાનો ઇન્કાર કરીને તેના કરોડો ચાહકોને રાહત આપી છે. ધોનીએ પસંદગીકારો અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને આજે પોતાની ઇચ્છાથી વાકેફ કર્યા હતા.
આનો અર્થ એ થયો કે પસંદગીકારો સામે કેટલાક વિકલ્પ રહી શકે છે. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ધોની ઉપલબ્ધ રહેશે નહીં તેવી વાત કરીને ધોનીએ નવી ચર્ચા જગાવી દીધી છે. તેના નિવેદનના કારણે વિકેટકિપર બેટ્સમેન ધોનીના ભાવિને લઇને લઇને અટકળો વધારે તીવ્ર બની ગઇ છે. ધોની ટેરિટોરિયલ આર્મીની પેરાશુટ રેજિમેન્ટમાં લેફ્ટીનન્ટ કર્નલ તરીકે પણ છે. આગામી બે મહિના સુધી તે પોતાનો મોટા ભાગના સમય ભારતીય સેના સાથે જ ગાળશે. બીસીસીઆઇના એક ટોપના અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ધોનીએ પોતે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાંથી ખસી ગયો છે.
તે આગામી બે મહિના સુધી પેરામિલિટરી રેજિમેન્ટની સાથે રહેશે. ૩૮ વર્ષીય ધોનીએ પોતાના નિર્ણયને લઇને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને જાણ કરી દીધી છે.બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યુ છે કે ધોની હાલમનાં ક્રિકેટમાંથી નિવૃત થનાર નથી. ધોનીએ બે મહિના સુધી રજા લીધી છે. પોતાની રેજિમેન્ટને લઇને ધોનીએ પહેલાથી જ વાત કરી હતી. ધોનીના નિર્ણય અંગે કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને જાણ કરી દેવામાં આવી છે. ધોનીએ નિવૃતિ લેવાનો ઇન્કાર કરી દેતા બોલ હવે પસંદગીકારોના કોર્ટમાં આવી ગયો છે.
બીસીસીઆઇના લોકોનુ કહેવુ છે કે પસંદગી સમિતી પહેલાથી જ કેટલાક મુદ્દાને લઇને મકક્મ છે. ધોનીને લઇને હાલમાં પ્રશ્નો થઇ રહ્યા હતા. વર્લ્ડ કપમાં જોરદાર દેખાવ કર્યા બાદ સેમીફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડની સામે ભારતીય ટીમ આશ્ચર્યજનક રીતે હારીને બહાર થઇ જતા ક્રિકેટ ચાહકો ભારે નિરાશ થયા હતા. વર્લ્ડ કપમાં ધીમી બેટિંગને લઇને ધોની સામે પ્રશ્નો ઉઠયા હતા. તેની ધીમી બેટિંગ અને બેટિંગના ઇરાદાને લઇને વિતેલા વર્ષોના સ્ટાર ખેલાડી સચિન સહિતના તમામ ખેલાડીઓએ વાંધો ઉઠાવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની આગામી દિવસોમાં જોરદાર રીતે ચર્ચામાં રહે તેવી શક્યતા છે. કારણ કે તે હવે તેની રેજિમેન્ટમાં સમય ગાળનાર છે. વર્લ્ડ કપની શરૂઆત થયા તે પહેલા જ ધોનીને લઇને ચર્ચા ચાલી રહી હતી કે તે વર્લ્ડ કપ બાદ નિવૃતિ લઇ લશે.
જો કે હાલમાં ધોનીએ નિવૃતિ લેવાની કોઇ યોજના હોવાનો ઇન્કાર કર્યો છે. ધોનીના મામલે દેશની ટોપની હસ્તીઓ દ્વારા હાલમાં તેમની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. જેમાં મહાન ગાયિકા લતા મંગેશ્કરે નિવૃતિ ન લેવાની અપીલ ધોનીને કરી હતી. અન્યોએ પણ આવી જ અપીલ કરી હતી.