નવી દિલ્હી : વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયા બાદ એમએસ ધોનીના ભાવિને લઇને ચર્ચા ચાલી રહી છે ત્યારે આ અંગે અટકળોનો અંત ૧૯મી જુલાઈના દિવસે આવી શકે છે. ૧૯મી જુલાઈના દિવસે પાંચ સભ્યોની પસંદગી ટીમ દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વિન્ડિઝના પ્રવાસે જનારી ભારતીય ટીમની પસંદગી કરવામાં આવનાર છે. કેરેબિયન પ્રવાસ એક મહિના સુધી ચાલનાર છે. ત્રીજી ઓગસ્ટથી લઇને ચોથી સપ્ટેમ્બર દરમિયાન આ પ્રવાસ ચાલશે.
આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ બે ટેસ્ટ મેચ, ત્રણ વનડે અને ત્રણ ટ્વેન્ટી મેચો રમશે. છેલ્લા ૧૨ મહિનાથી ટીમ ઇન્ડિયામાં ધોનીને લઇને હંમેશા ચર્ચા છેડાયેલી રહી છે. વર્લ્ડકપ દરમિયાન તેના સ્થાનને લઇને ચર્ચા વધારે થઇ હતી. તે વખતે અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન ધોનીના ઇરાદાને લઇને સચિન તેંડુલકરે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. વિરાટ કોહલીએ હંમેશા આ પ્રકારની ચર્ચાઓને દબાવી દેવાના પ્રયાસ કર્યા છે. સાથે સાથે પોતાના વલણ પણ સ્પષ્ટ કર્યા છે. કેપ્ટન વિરાટ કોહલીએ હંમેશા ધોનીનો સાથ આપ્યો છે અને કહ્યું છે કે, ડ્રેસિંગ રુમમાં ધોનીમાં હંમેશા આત્મવિશ્વાસ દેખાય છે.
એવા સમાચાર પણ મળી રહ્યા છે કે, ધોનીએ પસંદગીકારો અથવા તો ટીમ મેનેજમેન્ટ સાથે પોતાના ભાવિને લઇને કોઇ વાત કરી નથી. ધોની ઉપરાંત પસંદગીકારો ચાવીરુપ ખેલાડીઓ ઉપર વર્કલોડને ઘટાડવા ઇચ્છુક છે. જસપ્રિત બુમરાહ, વિરાટ કોહલી અને અન્ય કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. રોહિત શર્માને પણ આરામ આપવામાં આવી શકે છે. ન્યુઝીલેન્ડ સામે સેમિફાઇનલ મેચમાં વર્લ્ડકપમાં ભારતની આશ્ચર્યજનકરીતે હાર થઇ હતી. પસંદગીકારો શિખર ધવનની ફિટનેસ અને વિજય શંકરની ઇજાને લઇને પણ નિર્ણય લેશે. બંને ખેલાડીઓ હાલમાં બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં છે.