નવીદિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટૂંક સમયમાં જ લેફ્ટી કર્નલ તરીકે ટેરિટોરિયલ આર્મીની પેરાશૂટ રેજિમેન્ટમાં જોડાશે. ૩૧મી જુલાઈથી ૧૫મી ઓગસ્ટ સુધી રેજિમેન્ટની વિક્ટર ફોર્સની સાથે કાશ્મીરમાં ફરજ બજાવશે. ધોનીને ગાર્ડ, પેટ્રોલિંગ અને પોસ્ટ ડ્યુટીની જવાબદારી સોંપવામાં આવી છે. આજે ભૂમિ સેનાના અધ્યક્ષ જનરલ બિપીન રાવતે કહ્યું હતું કે, ધોનીને સુરક્ષાની કોઇ જરૂર નથી. ધોની પ્રજાની સેવા કરશે.
ધોની સેનાની સાથે પોતાની ફરજ બજાવવા માટે પૂર્ણરીતે તૈયાર છે. કોઇ અન્ય જવાનની જેમ જ ધોની એક રક્ષકની ભૂમિકા અદા કરશે. રાવતે કહ્યું હતું કે, જ્યારે એક ભારતીય નાગરિક સેનાની વર્દી પહેરે છે ત્યારે વર્દી સાથે જાડાયેલા કામને પૂર્ણ કરવાની જરૂર હોય છે. ધોનીએ પોતાની બેઝિક ટ્રેનિંગ કરી લીધી છે.