આ ફિલ્મ એક મજબૂત ક્રાઇમ, ડ્રામા અને થ્રિલર છે. આજના સોશિયલ મીડિયા યુગમાં અનેક સ્કેમ અને ફ્રોડ થતાં હોય છે. ખાસ કરીને યુવતીઓના ન્યૂડ ફોટા પોસ્ટ કરીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવે છે. આવી જ મજબૂત કહાની પર આધારિત છે ફિલ્મ ‘શસ્ત્ર’. ફિલ્મનો પહેલો ભાગ રસપ્રદ છે અને બીજો ભાગ તો શાનદાર છે.
અભિનયની વાત કરીએ તો ચેતન ધનાણી, પૂજા જોશી, દીપ વૈદ્ય, હેમિન ત્રિવેદી, શ્રેય, પ્રિયલ ભટ્ટ – સૌનું કામ શ્રેષ્ઠ છે. દીપ વૈદ્ય ઇન્ટરવલ પછી આવે છે પણ તેમનું કામ લાજવાબ છે. પ્રિયલ ભટ્ટનું કામ ઇન્ટરવલ સુધી છે પણ બહુ સારું કર્યું છે. શ્રેયનું કામ પણ નોંધપાત્ર છે. હેમિન ત્રિવેદી એક પરફેક્ટ બોસ લાગે છે. પૂજા જોશીનો અભિનય ખૂબ જ ગમ્યો.
ચેતન ભાઈએ ‘રાઘવ’નું પાત્ર ખૂબ જ મજબૂત રીતે નિભાવ્યું છે. નાના ભૂમિકા ભજવનાર નિશિત બ્રહ્મભટ્ટ, કલ્પેશ ભાઈ, સતીશ ભટ્ટ પણ સરસ છે. ભૂષણ ભટ્ટનો રોલ પણ યોગ્ય છે. કહાણી ફિલ્મના શરૂઆતથી અંત સુધી તમને જકડીને રાખશે.
ટેકનિકલ બાબતોની વાત કરીએ તો:
સ્રીકુમાર નાયરની સિનેમેટોગ્રાફી ઉમદા છે, ખાસ કરીને ડ્રોન શોટ્સ ખૂબ જ સુંદર છે. રાહુલ ભોલે અને વિનિત કાનોજિયાનું એડિટિંગ સરસ છે. મેહુલ સુર્તીનું સંગીત અને દર્શન શાહનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ એટલું જ ઇમ્પ્રેસ કરે છે. ભાર્ગવ ભરતભાઈ ત્રિવેદીનું સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ ખુબ જ સરસ છે.અજય પટેલ, અશોક પટેલ, દિત પટેલ અને પિયુષ પટેલ દ્વારા નિર્મિત ફિલ્મનું પ્રોડક્શન વેલ્યૂ પણ મજબૂત છે. કાર્તવ્ય શાહનું દિગ્દર્શન ઉત્કૃષ્ટ છે.
એકંદરે, ‘શસ્ત્ર’ એ એક એંગેજિંગ ફિલ્મ છે. આ ફિલ્મ માસ અને સિંગલ સ્ક્રીન બંને પ્રકારના દર્શકોને પસંદ પડશે. ફિલ્મમાં કોઈ અપ્રયોજ્ય સંવાદ કે અશ્લીલ દ્રશ્યો નથી. આખી ફેમિલી સાથે જઈને જોવાની જેવી ફિલ્મ છે.