ભારત-ભૂટાન વચ્ચે જુદા જુદા ક્ષેત્રમાં એમઓયુ પર હસ્તાક્ષર

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

નવી દિલ્હી : બે દિવસની ભૂટાન યાત્રાએ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભૂટાનના વડાપ્રધાન સાથે વિસ્તાર પૂર્વક સફળ વાતચીત યોજી હતી. ભૂટાનના વડાપ્રધાન લોટે શેરિંગ સાથે વાતચીત દરમિયાન જુદા જુદા વિષય ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભૂટાન પહોંચેલા મોદીએ કહ્યું હતું કે, આવા પડોશીની ઈચ્છા કોણ રાખશે નહીં જ્યાં વિકાસ આંકડાઓથી નહીં બલકે હેપીનેસથી આકવામાં આવે છે. નવી દિલ્હી અને થિંપુની વચ્ચે હાઈડ્રો પાવર અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ભૂટાનના વડાપ્રધાને કહ્યું હતું કે, આજે તેઓ આ બાબતને લઈને ગર્વ અનુભવ કરી રહ્યા છે કે, બંને દેશો મિત્રતાની વાસ્તવિક પરિભાષા પર યોગ્ય રીતે આગળ વધી રહ્યા છે. મોદીના ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના ટાર્ગેટના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, અમારા હાઈડ્રો પાવર ભારતને આ સપનાને પૂર્ણ કરવામાં મદદ કરશે. મોદી અને શેરિંગે સિમતોખા જાન્ગમાં ભારતના નેશનલ નોલેજ નેટવર્ક અને ભૂટાનના ડુક રિસર્ચ એન્ડ ફાઉન્ડેશન નેટવર્કની વચ્ચે ઈન્ટર કનેક્શનનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું હતું. બંને નેતાઓએ સંયુક્ત રીતે પત્રકાર પરિષદમાં પણ વાત કરી હતી. શેરિંગે કહ્યું હતું કે, ભારત અને ભૂટાન ભલે કદની દ્રષ્ટિએ અલગ અલગ છે. પરંતુ બંનેના વિશ્વાસ, મુલ્ય અને પ્રેરણા એક સમાન છે.

આજે તેઓ ગર્વની લાગણી અનુભવ કરી રહ્યા છે. મોદી ૨૦૧૪માં ભૂટાનની પ્રથમ યાત્રાએ આવ્યા હતા. તેમણે યાદ છે કે, એ વખતે મોદીએ કહ્યું હતું કે, ભારત અને ભૂટાન માત્ર સરહદના કારણે એક બીજાની નજીક નથી બલકે બંનેના મન પણ એકબીજા માટે ખોલેલા છે. મોદીએ કહ્યું હતું કે, પ્રથમ અવધિ દરમિયાન વિદેશ યાત્રા પર ભૂટાનની પસંદગી ખુબ જ સ્વાભાવિક હતી. બીજી અવધિમાં પણ સૌથી પહેલા ભૂટાન આવીને ખુબ ખુશ છે. ૧૩૦ કરોડ ભારતીયોના મનમાં ભૂટાન માટે ખાસ જગ્યા રહેલી છે. ભૂટાન જેવા પડોસી કયા દેશ ઈચ્છે નહીં. અમારા માટે  ગર્વની વાત છે કે, ભારત અને ભૂટાન વિકાસ કાર્યમાં એક સાથે આગળ ચાલી રહ્યા છે. સવારે ભૂટાન પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગત માટે વડાપ્રધાન શેરિંગ પોતે પહોંચ્યા હતા. એરપોર્ટ પર જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ મોદીનો કાફલો જે રસ્તાથી પસાર થઈને નીકળ્યો ત્યાં ભૂટાનના લોકોએ બંને દેશોના ધ્વજ લઈને પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ભૂટાનના બે દિવસના પ્રવાસે રવાના થયા હતા અને થોડા સમયમાં જ ભૂટાન પહોંચી ગયા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી તેમના યાદગાર સ્વાગતથી રોમાંચિત થઈ ગયા હતા. ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત દરમિયાન ભારત માતાની જય અને મોદી ઝિંદાબાદના નારા લાગ્યા હતા. ભૂટાન પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. થિંપૂ એરપોર્ટ પર વડાપ્રધાન લોતે શેરિંગે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. આ પહેલાં મોદીએ ૨૦૧૪માં પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે પહેલી વિદેશ યાત્રા ભૂટાનની કરી હતી. આ ઐતિહાસિક પ્રવાસ પહેલાં મોદીએ કહ્યું હતું કે, ભૂટાનના નેતૃત્વ સાથે વાતચીત સાર્થક રહેશે અને તેનાથી બંને દેશોની મિત્રતા વધારે મજબૂત થશે. ભારતની ‘પડોશી પહેલા’ની નીતિ રહી છે. પાંચ પરિયોજનાનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. નેપાળે હાલના વર્ષોમાં ભારત અને ચીન બંને દેશોની સાથે પોતાના સંબંધોને સંતુલિત કરવાના પ્રયાસ કર્યા છે. આવી સ્થિતિમાં ભારત ચોક્કસ પણે ઈચ્છે છે કે, હિમાલયન ક્ષેત્રમાં પ્રભાવ અકબંધ રહે. ચીન અને ભારતની વચ્ચે ભૂટાન એક બફર તરીકે છે. ભૂટાન ભારત માટે ખુબ મહત્વપૂર્ણ છે.

Share This Article