તમે કેવી માતા છો…આ પ્રશ્ન તમારી સામે ઘણીવાર મૂક્યો છે. તમને એમ થશે કે માતા તો માતા જેવી જ હોય ને. હા, માતા તો માતા જેવી જ હોય જે અપાર માતૃત્વ હદયખોલીને વરસાવતી હોય, પરંતુ આજે માતૃત્વમાં પણ કેટલાક જોખમો જોવા મળી રહ્યાં છે. જોઈએ શું છે આ જોખમો…!
કોઈ પણ માતા એ મમતાનો વરસતો ધોધ હોય છે. તેની મમતા અને પ્રેમનો વરસાદ સૌથી વધારે તેનાં સંતાનો પર થતો હોય છે. બાળકને પ્રેમ આપવો તેને હૂંફ આપવી, તેની માવજત કરવી એ ખૂબ જ સારી બાબત છે, પરંતુ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે માતાઓ માતૃત્વમાં એટલી અંધ થઈ જાય છે કે તેને સંતાનનાં પ્રથમિક સુખ સિવાય દુનિયામાં કંઈ જ દેખાતું નથી. સંતાનની તત્કાલીન ખુશી માટે લેવાયેલા કેટલાક નિર્ણયો તે જ સંતાનનું ભવિષ્ય પણ ધૂંધળુ કરી દે છે.
શરૂઆત બાળપણથી જ થાય છે. જ્યારે બાળક કંઈ ખોટુ કામ કરે અને તેની ફરિયાદ આવે ત્યારે તેને ટોકવાને બદલે તેનો પક્ષ તાણીને તેનો લૂલો બચાવ કરીને જો માતા તેને પ્રેમ કહે તો કેટલું યોગ્ય? બાળકને પ્રેમ કરવો તે ખરાબ નથી, પરંતુ એવો પ્રેમ કરવો કે જેમાં તેનું સારુ ખોટુ પણ ન દેખાય તે કેટલુ યોગ્ય…! વાત અહીં ક્યાં અટકે…જ્યારે આ બાળક સ્કૂલમાં ચોરી કરીને પાસ થાય કે રીઝલ્ટ નબળુ લાવે ત્યારે પણ લૂલો બચાવ માતા જ કરે છે…જ્યારે સંતાન કિશોરાવસ્થામાં આવે અને નોકરી ધંધો કરવાનાં બદલે આડા પાટે ચડી જાય, દારુ પીતો થઈ જાય અને પરિસ્થિતિ વણસી જાય ત્યારે તે જ માતા પોતાની જાતને કોસે છે. આવા કિસ્સા સમાજમાં ઘણાં જોવા મળશે. આપણે એ જ સમાજમાં રહીએ છીએ જ્યાં જીજાબાઈએ મમતા પર કાબૂ રાખીને બાળકનાં ભવિષ્ય માટે શૂરતાનાં હાલરડા ગાયા છે. આપણે એ જ સમાજમાં રહીએ છીએ જ્યાં રાણી લક્ષ્મીબાઈ જરા પણ પોપલા કે ઢીલા બન્યા વગર બાળકને પીઠ પર ટીંગાળીને યુધ્ધે લડવા ગયા હતા. વધારે જૂના ઈતિહાસમાં ન જતા હાલની ફિલ્મોમાં નજર કરશો તો પણ તમે સફળ અને સચોટ માતૃત્વનાં ઉદાહરણો મળી રહેશે. બાહુબલીની શિવગામી દેવી હોય કે દેવસેના હોય તેનાં બાળ ઉછેરની જે રીત હતી તે જ વીર પેદા કરી શકે…બાકી તો પંપાળીને રાખેલા સંતાન મોટા થઈને જાતે નિર્ણય લેવામાં કે મચ્છર મારવામાં પણ ડરતા રહે. તેવી જ રીતે બાજીરાવ મસ્તાનીની મસ્તાનીબાઈ તેનાં નાના, કોમળ ભૂલકાને પણ એક ક્ષત્રિયની જેમ જ તૈયાર કરે છે. કોઈ પણ સફળ સંતાનને પેદા કરવામાં કે ઉછેરવામાં સૌથી મોટો હાથ તેની માતાનો હોય છે. તેનો મતલબ એ પણ નથી કે બાળક સાથે સખ્તાઈ જ વર્તવાની, પણ કયા સમયે પ્રેમ વરસાવવો અને કયા સમયે સખ્તાઈ વર્તવી તે પણ માતાનાં હાથમાં જ છે. જો તમે તમારા સંતાનને સફળ અને સારા વ્યક્તિ બનાવવા માગતા હોવ તો તમારે આવા કેટલાલ માતૃત્વનાં જોખમોથી સાચવવું પડશે. તટસ્થ રીતે સંતાનનો ઉછેર કરવો પડશે. આપ સૌને મધર્સ ડેની શુભકામનાઓ.
પ્રકૃતિ ઠાકર