અમદાવાદ : ભારતમાં ડાયાબિટીસનું પ્રમાણ ગંભીર અને ચિંતાજનક હદે વધી રહ્યું છે. ખાસ કરીને યુવાનોમાં પણ હવે આ બિમારી બહુ આસાનીથી પ્રવેશી રહી છે. ભારતમાં અંદાજે સાડા સાત કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પીડાઇ રહ્યા છે, જયારે પ્રિ-ડાયાબિટીસનું પ્રમાણ પણ એટલું જ ગંભીર છે અને તેનો આંક પણ આટલો જ ઉંચો છે. આ સંજાગોમાં ડાયાબિટીસના રોગને કેવી રીતે અંકુશમાં લઇ શકાય અને કેવી રીતે તેને અટકાવી શકાય તે મહત્વના મુદ્દે ધી ફેમિલી એન્ડ ડાયાબિટીસ વિષય પર રિસર્ચ સોસાયટી ફોર સ્ટડી ઓફ ડાયાબિટીસ ઈન્ડિયા (આરએસએસડીઆઈ)ની ચાર દિવસીય વાર્ષિક કોન્ફરન્સનો અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે પ્રારંભ થયો હતો. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી છ હજારથી વધુ ડોકટરો અને નિષ્ણાતો આવ્યા હતા. જયારે વિદેશથી પણ ડાયાબિટીસ વિષયના નિષ્ણાત તજજ્ઞો અને ફેકલ્ટી પણ ખાસ ભાગ લેવા આવ્યા છે. કોઇપણ વ્યકિતના ડાયાબિટીસના રોગને અંકુશને લેવામાં તેના પરિવારની પણ એટલી જ મહત્વની અને અસરકારક ભૂમિકા હોય છે, તેથી તે દિશામાં પણ લોકોએ હવે જાગૃતિ કેળવવાની જરૂર છે એમ અત્રે આરએસએસડીઆઇના ચેરમેન ડો.બંશી સાબુ અને પ્રમુખ ડો. પી.વી.રાવે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ ડિક્લેરેશન ઓફ ૨૦૧૮ની રજૂઆત ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (આઈડીએફ)ના પ્રયાસોને સમર્થન આપવા માટે રિસર્ચ સોસાયટી ફોર સ્ટડી ઓફ ડાયાબિટીસ ઈન્ડિયા (આરએસએસડીઆઈ)ની તા.૨૨થી ૨૫ નવેમ્બર દરમ્યાન આ વાર્ષિક કોન્ફરન્સમાં મળી રહી છે, જેમાં ડાયાબિટીસ પર અંકુશ મેળવવામાં પરિવારને મજબૂત કરવા માટેનો સૂર વ્યકત કરવામાં આવ્યો છે.
અમદાવાદ ડિક્લેરેશન ઓફ ૨૦૧૮માં જણાવાયું છે કે ફેમિલી એક બેઝિક સોશિયલ યુનિટ છે. પારિવારીક સભ્યો માત્ર ડાયાબિટીસ કેર અને સપોર્ટમાં જ યોગદાન આપતા નથી પણ તેઓ આની તમામ અસરોનું જોખમ પણ ધરાવતા હોય છે . પરિવારના સભ્યોમાં ડાયાબિટીસનો ફેલાવો થવાના જનીનીક અને પર્યાવરણીય પરિબળો કામ કરતા હોય છે અને ડાયાબિટીસ રોકવા માટેની તક પણ રહેલી હોય છે.
ડાયાબિટીસને કંટ્રોલ રાખવામાં પરિવારની મદદ કે હુંફ બહુ કારગત સાબિત થઇ શકે છે. આરએસએસડીઆઇના ચેરમેન ડો.બંશી સાબુ અને સેક્રેટરી ડો.બી.એમ.મક્કરે જણાવ્યું હતું કે, અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ડાયાબિટીસનું પ્રમાણ દોઢસો ટકાની વૃÂધ્ધએ વધી રહ્યું છે. તેનું મુખ્ય કારણ આડેધડ ખોરાક, ચરબી અને કસરત કે પરિશ્રમ વિનાનું બેઠાડું જીવન છે. ભારતીયો જે ખોરાક ખાય છે, તેમાં સૌથી વધુ કાર્બોહાઇડ્રેટ હોય છે અને તેના કારણે ચરબીનું પ્રમાણ ભારતીયોના શરીરમાં અન્ય દેશોના નાગરિકોની સરખામણીએ ઘણુ વધું હોય છે. એટલું જ નહી, પાછલા કેટલાક વર્ષોમાં ૩૦થી ૪૫ વયના યુવાવર્ગમાં પણ હવે ડાયાબિટીસનું પ્રમાણ ગંભીર રીતે વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ચાર દિવસની આ કોન્ફરન્સમાં દેશ-વિદેશથી આવેલા ડોકટરો, નિષ્ણાત તજજ્ઞો સહિતના મહાનુભાવો ડાયાબિટીસને લગતા તમામ મુદ્દાઓ, કેસ સ્ટડીઝ્, રિસર્ચ પેપર, નવા સંશોધનો, દવા અને સારવાર સહિતના અનેકવિધ મુદ્દાઓને લઇ વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરશે અને ભાગ લેનાર લોકોને આ વિષયના ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન અને જાણકારી પૂરા પાડશે. અહીંની કોન્ફરન્સમાંથી ઉત્કૃષ્ટ અને નવું જ્ઞાન મેળવી દેશભરમાંથી આવેલા તમામા ડોકટરો અને નિષ્ણાતો તેમના શહેરોમાં કે ગામોમાં જઇ ડાયાબિટીસના દર્દીઓની ભારે અસરકારકતા અને નિપુણતા સાથે સારવાર કરી ઉત્કૃષ્ટ પરિણામો મેળવે તે જ કોન્ફરન્સનો આશય છે.