ગેમિંગ એપ દ્વારા યુવાનોના ધર્માંતરણ કરવાના આરોપી શાહનવાઝ ઉર્ફે બદ્દોની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસ આજે તેને કોર્ટમાં રજૂ કરશે. સાથે જ યુપી પોલીસ આજે કોર્ટ પાસે ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગ કરશે. જો કોર્ટ આદેશ આપશે તો શાહનવાઝને આજે ગાઝિયાબાદ પોલીસને સોંપવામાં આવશે. આ પહેલા પોલીસ આરોપીને મેડિકલ ટેસ્ટ કરાવવા માટે કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. બદ્દો ના ઝાસામાં આવીને, મહારાષ્ટ્રના મુંબ્રામાં ૪૦૦ થી વધુ લોકોએ પોતાનો ધર્મ બદલી નાખ્યો છે. મહારાષ્ટ્ર પોલીસે બદ્દોની રાયગઢના અલીબાગમાંથી ધરપકડ કરી છે. તે ત્યાં એક લોજમાં રહેતો હતો. બદ્દોની ઉંમર ૨૩ વર્ષ હોવાનું કહેવાય છે. તે ઓનલાઈન ગેમિંગ એપ દ્વારા લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. બદ્દો વિરુદ્ધ ગાઝિયાબાદના કવિ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારથી તેના પર ધર્માંતરણનો આરોપ લાગ્યો ત્યારથી તે યુપીમાંથી ભાગીને મહારાષ્ટ્ર ભાગી ગયો હતો.
ઉત્તરપ્રદેશની પોલીસ તેના મોબાઈલ લોકેશનને સતત ટ્રેસ કરી રહી હતી. દરમિયાન પોલીસને ખબર પડી કે તે મુંબઈના વર્લીમાં છે. પરંતુ, પોલીસ ત્યાં પહોંચતાની સાથે જ તે વર્લીથી ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસને ખબર પડી કે તે રાયગઢમાં છે. આ પછી પોલીસે શાહનવાઝની અહીંની એક લોજમાંથી ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બદ્દો વારંવાર તેના મોબાઈલનું સિમ અને લોકેશન બદલી રહ્યો હતો. કદાચ આ જ કારણે પોલીસને તેની ધરપકડ કરવામાં મુશ્કેલી પડી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે શાહનવાઝ ભાગી ગયો ત્યારે પોલીસે તેની માતા અને ભાઈને કસ્ટડીમાં લીધા હતા. પોલીસને માતા પાસેથી બદ્દો વિશે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. જો કે તેના ભાઈએ બદ્દો વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી પોલીસને આપી, જેના આધારે તેની ધરપકડ શક્ય બની. યુપી પોલીસે બદ્દો વિરુદ્ધ ૩૦ મેના રોજ કેસ નોંધ્યો છે.