તારીખ ૧૮/૧/૨૪ નો દિવસ વડોદરા વાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. હરણી તળાવમાં એક શાળાના બાળકો અને કેટલાક શિક્ષકો બોટીંગ માટે ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બોટ ઊંધી વળી જવાથી ૧૪ લોકોનાં અત્યંત કરુણ મોત નિપજયા છે. જેમાં બે શિક્ષકો અને ૧૨ નિર્દોષ બાળકોનો સમાવેશ થાય છે.
પૂજ્ય મોરારીબાપુની રામકથા યુપીમાં શ્રાવસતી ખાતે ચાલી રહી છે. ૧૨ બાળકોના મોત થયાના સમાચાર મળ્યા ત્યારે પૂજ્ય મોરારીબાપુ અત્યંત વ્યથિત થયા હતા અને તેમણે આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા બે લાખ દસ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે. વડોદરા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. પૂજ્ય બાપુએ આ બાળકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.