મહુવા તાલુકાના કાકીડી ગામે એક સ્મરણ કથાના રૂપમાં ગવાઈ રહેલી પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસનની 945મી કથા અનેક કીર્તિમાનો સાથે આવતીકાલે શનિવાર તારીખ 27 ઓક્ટોબરના રોજ વિરામ પામશે.
આજની કથાનું મંગલાચરણ કરતાં પૂજ્ય મોરારિબાપુએ કહ્યું કે રામચરિત માનસમાં 11 જગ્યાએ દેવતાઓએ દૂદુંભિ વગાડે છે. જેમાં જનકપુરમાં જાનકીમાનો પ્રવેશ અને પરશુરામની સ્તુતિ ,અયોધ્યામાં જાનકીજીના સામૈયા વગેરે પ્રસંગો સામેલ છે. રામ અને લક્ષ્મણ બંનેને વિશ્વામિત્ર પોતાના યજ્ઞ માટે દશરથજી પાસે માંગણી કરે છે. તેનો અર્થ એ થાય કે સાધુ કોઈ પાસે સંપતિ માગતા નથી પરંતુ તેની સંતતિ માંગે છે. એટલે કે એક અર્થમાં તેમની પાસે રામકાર્યની સતત માંગણી કરે છે. વિશ્વામિત્ર તો અકિંચન છે. આપણી ગતિ એવી હોય કે જેમાં બધાં જોતાં રહે અને આપણે આગળ નીકળી જઈએ. ગુરુ માટે શિષ્ય સંપદા છે, યોગ્ય શિષ્ય મળે તે ગુરુની સંપદા છે. ભગવાન રામજી બધાના નિર્વાણ માટે આવ્યા છે. કોઈના મરણ માટે તે આવ્યા નથી. તેમને તાડકા અને બીજા અનેક અસુરોનું નિર્વાણ કર્યું છે. વિશ્વામિત્રને તેની સતત પ્રતીતિ થાય છે .યજ્ઞ, દાન અને તપથી ઈશ્વર મળે છે. ભગવાન કરતાં ભજન મોટું છે. તેથી વિશ્વામિત્ર રામને છોડીને પોતાના આશ્રમમાં આવે છે. વિયોગમાં આનંદ એવો મિલનમાં નથી.ભક્તિ વિયોગમાં સાકારિત થાય છે.યજ્ઞ, દાન, તપ માનવબુદ્ધિને રિચાર્જ કરે છે . આજની કથામાં બાપુએ અનેક સૂત્રાત્મક વાતો કરીને જીવનની અનેક જડીબુટ્ટીઓને શોધી આપી છે.જીવનની સાથે જે રીતે પ્રસિદ્ધિ મળે છે અને અન્ય લોકો તેમનો દ્વેષ કરે છે તે દ્વેષને કેવી રીતે ટાળવો તેની પણ ખૂબ મહત્વની જીવન ફિલસૂફી તેઓશ્રીએ વહાવી હતી.
કથાના ક્રમમાં આજે વિશ્વામિત્રનું અયોધ્યામાં આગમન અને રામ અને લક્ષ્મણનું વિશ્વામિત્રના યજ્ઞના સંરક્ષણ માટેનું કાર્ય અને બાદમાં સીતા સ્વયંવર, સીતાજીનું રાવણ દ્વારા અપહરણ અને લંકામાં હનુમાનજીનો પ્રવેશ,લંકા દહન જેવા પ્રસંગો ને ખૂબ જ રસપ્રદ રીતે વહાવીને બાપુએ શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતાં.
કથાના પ્રારંભે તલગાજરડાના પુર્વ આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ વાજાના માધ્યમથી કન્યાઓને અપાતી સાયકલોનો પુરસ્કાર આજે કાકીડીના 30 બાળકોને પૂજ્ય બાપુના વરદહસ્તે યજમાનશ્રી નિલેશભાઈ જસાણી દ્વારા અર્પણ થયો હતો.છે.કાકીડી ગામના શિવ મંદિરે બાપુના સંકલ્પ મુજબ ગામમાં 100 જેટલા વૃક્ષોના વાવેતર માટે પુ મોરારિબાપુના હસ્તે વૃક્ષારોપણ થયું હતું.
પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલી આ કથા આજે આઠમાં દિવસમાં પ્રવેશ કરીને વિરામ પામી હતી.આવતીકાલે શનિવારે સવારે સાડા નવ કલાકે કથાનો પ્રારંભ થશે અને બપોરે 12 કલાકે કથાને વિરામ આપવામાં આવશે. ભોજન અને ભજનનો આ સંગમ ખૂબ જ અનન્ય રીતે નાનકડા એવા ગામમાં લોકો, આસપાસના ભાવિક ભક્તોના સહકારથી ખૂબ જ ઉમંગ ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે.