રાજસ્થાનના દૌસા જીલ્લામાં ગઈકાલે એક કરુણ ઘટનામાં ૧૧ લોકોનાં મોત નિપજયા છે તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. મૂળ યુપીના એટા જિલ્લાના રહેવાસીઓ રાજસ્થાનના દૌસા નજીક ખાટુશયામના દર્શન કરવા આવ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર એ શ્રદ્ધાળુઓ જ્યારે ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે એમના વાહનને એક ટ્રક સાથે ભીષણ અકસ્માત થતાં સાત બાળકો અને ચાર મહિલા સહિત ૧૧ લોકોના સ્થળ પર મોત થયા હતાં. આ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૬૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રાશિ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે.
બીજી એક ઘટનામાં મહુવા તાલુકાના થોરાળા ગામનાં આશાસ્પદ યુવાન મહેશ દાણિધારીયાનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પૂજ્ય મોરારીબાપુએ આ યુવાનને શ્રઘ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને રુપિયા ૧૫,૦૦૦ ની શ્રી હનુમંત સંવેદના અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.