સમગ્ર વિશ્વને ખ્યાલ છે કે છેલ્લાં કેટલાંક સમયથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના પરિણામે માનવ જીવનને ભયંકર નુકશાન થયું છે. બાળકો સહિતના હજારો નિર્દોષ લોકો યુદ્ધનો ભોગ બન્યાં છે તથા હજારો લોકોએ તેમના ઘરો ગુમાવ્યાં છે. તેમના માટે પ્રાથમિક જરૂરિયાતો અને તબીબી સારવારની ઉપલબ્ધતા પણ મૂશ્કેલ બની ગઇ છે.
જાણીતા કથાકાર અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂ પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષથી વ્યથિત છે. આ સંઘર્ષના કારણને ધ્યાનમાં ન લેતાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે તે એક સંવેદનશીલ વ્યક્તિ માટે ખૂબજ હ્રદયસ્પર્શી છે. આથી પૂજ્ય બાપૂએ રેડ ક્રેસન્ટ ઓર્ગેનાઇઝેશનને ઇઝરાયલ અને પેલેસ્ટાઇનમાં માનવીય આધાર ઉપર રૂ. 25 લાખનો સહયોગ કર્યો છે.
યુકે-સ્થિત લોર્ડ ડોરલભાઇ પોપટ અને પવન પોપટ દ્વારા આ રકમ રેડ ક્રેસન્ટને અપાશે. આ રકમ બંન્ને દેશો વચ્ચે માનવીય આધારે આવશ્યક દવાઓ અને પ્રાથમિક જરૂરિયાતોના સપ્લાય માટે વિતરિત કરાશે. મેગન ડેવિડ એડોમ અને તેમના સ્વયંસેવકોની ટીમ આ ઉમદા પહેલને સપોર્ટ કરી રહી છે.
પૂજ્ય બાપૂએ બંન્ને દેશો વચ્ચેના સંઘર્ષના અંત અને શાંતિની સ્થાપના માટે ભગવાન હનુમાનને પ્રાર્થના કરી છે.