સંસદનુ મોનસુન સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યુ છે. આ સત્ર તોફાની બનવાના સાફ સંકેતો દેખાઇ રહ્યા છે. એકબાજુ વિરોધ પક્ષે જમ્મુ કાશ્મીરમાં હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતી, ખેડુતોની સમસ્યા, બેરોજગારી અને દલિતો પર અત્યાચારના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને ભીંસમાં લેવા માટેની તૈયારી કરી લીધી છે. બીજી બાજુ મોદી સરકાર સત્રમાં ત્રિપલ તલાક સહિતના મુદ્દા પર બિલને પસાર કરવા માટે ઇચ્છુક છે. વિરોધ પક્ષો પાસેથી સહકારની માંગ કરવામાં આવી રહી છે. સંસદના મોનસુન સત્ર દરમિયાન વિરોધ પક્ષોની વ્યુહરચનાની સામે એનડીએ સરકારે પણ તેની રણનિતી તૈયાર કરી લીધી છે.
મોનસૂન સત્ર ૧૮મી જુલાઈથી શરૂ થશે અને ૧૦મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું છે કે, મોનસુન સત્ર દરમિયાન કાર્યક્રમ મુજબ જ તમામ મુદ્દાઓ રજૂ કરવામાં આવશે. મોનસુન સત્ર દરમિયાન કેટલાક વટહુકમને પણ બિલ તરીકે પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે. ત્રિપલ તલાક બિલ સરકારની મુખ્ય પ્રાથમિકતા તરીકે છે. આ બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યા બાદ રાજ્યસભામાં પેન્ડિંગ છે. સરકાર અન્ય પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જા આપવા સંબંધિત બિલને પણ પસાર કરવા ઇચ્છુક છે. સરકારના એજન્ડામાં મેડિકલ શિક્ષણ માટે રાષ્ટ્રીય આયોગ બિલ અને ટ્રાન્સઝેન્ડરો સાથે જાડાયેલા બિલ પણ સામેલ છે.
મોનસુન સત્ર દરમિયાન અપરાધિક કાયદા સુધારા બિલ ૨૦૧૮ને રજૂ કરવાની પણ યોજના છે. આમા ૧૨ વર્ષની ઓછી વયની બાળકીઓ સાથે બળાત્કારના મામલામાં મૃત્યુદંડની સજાની જાગવાઈ કરવામાં આવી છે. આ ઉરાંત જુદા જુદા બિલ રજૂ કરવામાં આવનાર છે જેમાં જનપ્રતિનિધિ સુધારા બિલ ૨૦૧૭, ડેન્ટિસ્ટ સુધારા બિલ, ફરાર અપરાધી સાથે સંબંધિત બિલ ૨૦૧૮નો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રમતગમત યુનિવર્સિટી બિલ ૨૦૧૭, ભ્રષ્ટાચાર અટકાયત સુધારા બિલ ૨૦૧૩ને પણ રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન માનવ અધિકાર સુરક્ષા સુધારા બિલ, માહિતી અધિકાર સુધારા બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે.
સસંદના મોનસુન સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સંસદના મોનસૂન સત્રમાં મહિલા અનામત બિલ લાવવા માટે માંગ કરી છે. રાહુલે પોતાના પત્રમાં કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી સંસદમાં આ બિલનું સમર્થન કરશે. રાહુલના આ પત્રને ભાજપના ત્રિપલ તલાક બિલના જવાબમાં જાવામાં આવે છે. હકીકતમાં ભાજપ પણ ત્રિપલ તલાક પર આ સત્રમાં જ બિલ લાવવા માટે ઈચ્છુક છે. જેથી વિપક્ષી પાર્ટીઓનો સહકાર માંગવામાં આવી રહ્યો છે. સંસદનું મોનસૂન સત્ર ૧૮મી જુલાઈથી શરૂ થશે અને ૧૦મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સંસદ અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત મળે તેવી અમારી ઈચ્છા છે.
કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલી સંસદના અતિ મહત્વપૂર્ણ મોનસૂન સેશનમાં હાજરી આપશે નહીં. અરૂણ જેટલી તબીબોની સૂચના મુજબ હાલ આરામ ઉપર છે. ૧૪મી મેના દિવસે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સમાં અરૂણ જેટલીએ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી. અરૂણ જેટલી છેલ્લા ઘણા સમયથી રાજકીય રીતે સક્રિય નથી. અરૂણ જેટલીની ગેરહાજરીમાં ભારતીય જનતા પાર્ટી રાજ્યસભામાં ગૃહના નવા નેતા તરીકે કોઈ અન્યની પસંદગી કરશે. આ પોસ્ટ હાલમાં અરૂણ જેટલી પાસે છે.
મોનસુન સત્ર જારદાર તોફાની બની શકે છે. સત્ર દરમિયાન જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો પર સતત કરવામાં આવી રહેલા ત્રાસવાદી હુમલા, દેશની આર્થિક સ્થિતી, બેરોજગારી, સુરક્ષા વ્યવસ્થા સહિતના મામલે ચર્ચા કરવામાં આવશે. આ તમામ મુદ્દા રાજકીય ગરમી જગાવી શકે છે. આ મુદ્દે સરકારને ભીંસમાં લેવા માટે કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોએ કમર કસી લીધી છે. સરકાર વિરોધ પક્ષોનો સામનો કરવા તૈયાર છે.