શિમલા : હિમાચલ પ્રદેશમાં ચોમાસાના પ્રકોપથી રાજ્યના માળખાગત સુવિધાઓ પર અસર પડી રહી છે, જેમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો, ૧,૨૩૬ વીજળી ટ્રાન્સફોર્મર અને ૪૨૪ પાણી પુરવઠા યોજનાઓ સહિત ૮૧૯ રસ્તાઓ ખોરવાઈ ગયા છે, એમ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું હતું.
૨૦ જૂનથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩૨૦ પર પહોંચી ગયો છે, એમ IMD એ જણાવ્યું હતું. આમાંથી ૧૬૬ લોકોના મોત વરસાદ સંબંધિત ઘટનાઓ જેમ કે ભૂસ્ખલન, અચાનક પૂર અને વીજળી પડવાથી થયા હતા, જ્યારે ૧૫૪ લોકોના મોત માર્ગ અકસ્માતોમાં થયા હતા.
રાજ્યના માર્ગ નેટવર્કને વ્યાપક નુકસાન થયું છે, ભૂસ્ખલન અને કાટમાળના પ્રવાહને કારણે સેંકડો ગ્રામીણ લિંક રસ્તાઓ કપાઈ ગયા છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ચંબા (૨૫૩ રસ્તા), મંડી (૨૦૬), કુલ્લુ (૧૭૫) અને કાંગડા (૬૧) જેવા જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે.
વીજ પુરવઠાને પણ ભારે અસર પડી છે, જેમાં ૧,૨૩૬ ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર (ડ્ઢ્ઇ) કાં તો ક્ષતિગ્રસ્ત છે અથવા કાર્યરત નથી. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ્લુ (૩૫૭), ચંબા (૨૯૬), ઉના (૩૩૦) અને મંડી (૧૭૭)નો સમાવેશ થાય છે. મીડિયા સુત્રો એ અહેવાલમાં ઉમેર્યું છે કે સતત વરસાદ અને ઊંચાઈવાળા અને આંતરિક વિસ્તારોમાં સુલભતા પડકારોને કારણે પુન:સ્થાપન કાર્ય ચાલુ છે.
૪૨૪ યોજનાઓમાં પાણી પુરવઠો ખોરવાયો છે, જેનાથી પીવાના પાણી અને સિંચાઈ સુવિધાઓ બંનેને અસર થઈ છે. સૌથી વધુ અસર ચંબા (૭૭ યોજનાઓ), કુલ્લુ (૩૯), મંડી (૫૬) અને શિમલા (૩૨) માં નોંધાઈ છે. વહીવટીતંત્રે રસ્તાઓ સાફ કરવા, વીજળી પુન:સ્થાપિત કરવા અને પાણી પુરવઠા પ્રણાલીઓનું સમારકામ કરવા માટે ઘણી ટીમો તૈનાત કરી છે. જાે કે, ભારે વરસાદની આગાહી સૂચવે છે કે સંપૂર્ણ પુન:સ્થાપનમાં વધારાનો સમય લાગી શકે છે.
૨૦ જૂનથી ૩૦ ઓગસ્ટ સુધીમાં કુલ ૩,૦૪,૨૦૭.૪૬ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, જેમાં જીવ, પશુધન, ખેતી, બાગાયત, ઘરો, દુકાનો, કારખાનાઓ, જાહેર ઉપયોગિતાઓ અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાનનો સમાવેશ થાય છે.
વરસાદને કારણે ૩૩ લોકોના ડૂબવાથી, ૧૭ લોકોના વાદળ ફાટવાથી, ૧૪ લોકોના વીજ કરંટથી, ૧૧ લોકોના ભૂસ્ખલનથી, ૯ લોકોના અચાનક પૂરથી અને વીજળી પડવાથી, સાપના કરડવાથી અને ઢાળવાળી જમીન પરથી પડી જવાથી મૃત્યુ થયા છે. ચંબા (૨૨), મંડી (૨૨), કાંગડા (૧૯) અને શિમલા (૧૬)માં અકસ્માતને કારણે નોંધપાત્ર મૃત્યુ નોંધાયા છે.