રાજકોટ : હવામાન વિભાગે રાજ્યમાં આગામી ૪ દિવસ ભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આજે રવિવારે (૧૫ જૂન) સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે અતિભારને વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
૧૬ જૂનની આગાહી
રાજ્યમાં ૧૬ જૂને રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, ૧૫-૧૬ જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે ૩૦-૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.
૧૭ જૂનની આગાહી
૧૭ જૂનના રોજ રાજ્યના ૧૨ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
૧૮-૧૯ જૂનની આગાહી
રાજ્યમાં ૧૮ જૂનના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ, નવસાડ અને ૧૯ જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક જ ફેરફાર જોવા મળ્યો હતો, ત્યારે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, અમરેલી, ગોંડલ, સુરત, નવસારી, તાપી, ડાંગ સહિત અનેક શહેરોમાં મેઘરાજાએ પધરામણી કરી છે. ત્યારે રાજકોટ શહેરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે અને વીજળી પડવાના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે.
દાહોદના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. વીજળીના કડકા સાથે દાહોદમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વીજળી પડતા ૨ લોકોના મોત થયા છે. વીજળી પડવાના કારણે પિતા-પુત્રનું મોત થયું છે. મુવાલિયા ગામે વીજળી પડતા પિતા-પુત્રનું મોત થયું છે અને બે લોકોના મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ૩૦ વર્ષીય સંજયભાઈ અને ૭ વર્ષીય આયુષનું વીજળી પડવાના કારણે મોત થયું છે. બીજી તરફ શહેરમાં ભારે વરસાદને પગલે શહેરના દેસાઈવાડમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે તો શહેરની લીટલ ફ્લાવર સ્કૂલની દિવાલ પણ ધરાશાયી થઈ છે. પવન સાથે આવેલા વરસાદથી અનેક જગ્યાએ ભારે નુકસાની સર્જાઈ છે. ત્યારે સિંગવડ ફોરેસ્ટ ઓફિસના ગેટ પાસે વીજ પોલ તેમજ ઝાડ ધરાશાયી થયું છે.
ખાંભા-ગીરના લાસા, ધાવડીયા, ભાણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી બાદ જોરદાર વરસાદ થયો હતો. લાસા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતા. જ્યારે અમરેલીના બાબાપુર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. જિલ્લામાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
બગસરાના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ગરમી-ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું. જેમાં હાલરીયા, હુલરીયા, હામાપુર, રફાળા સહિત આસપાસના ગામડાંઓમાં વરસાદ તયો હતો. જ્યારે ધારી ગીરના ગોપાલગ્રામ, સરંભડા ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. આ સાથે આજે બપોર બાદ વડિયાના ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં વડિયા આસપાસના મોરવાડા, તોરી, રામપુર, કુંકાવાવ, મેઘાપીપલીયા, અમરાપુર, ખાખરીયા સહિતના ગામડાંઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.