મુંબઈ : આરબીઆઇની છ સભ્યોની મોનિટરી પોલીસી કમિટી ( એમપીસી)ની બેઠક આજે શરૂ થઇ હતી. જે ત્રણ દિવસ સુધી ચાલનાર છે. જેમાં તમામ પાસા પર ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ વ્યાજદર અંગે નિર્ણય કરવામાં આવનાપ છે. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવનાર છે. જો કે મોટા ભાગના અર્થશાસ્ત્રીઓની પ્રતિક્રિયા ભારત દ્વારા જારી કરવામાં આવેલા આર્થિક વિકાસ દરના આંકડા પહેલા આવી હતી. જેથી આરબીઆઇ કેવુ વલણ અપનાવે છે તેના પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. શુક્રવારના દિવસે જે આંકડા જારી કરવામાં આવ્યા હતા તે મુજબ વાર્ષિક આર્થિક વિકાસ દર જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં ૫.૮ ટકા રહ્યો હતો.
જે અગાઉના ત્રિમાસિક ગાળામાં ૬.૬ ટકા રહ્યો હતો. ભારતીય રિઝર્વ બેંકે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ એપ્રિલમાં જાહેર કર્યા હતા. એ વખતે ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ ૬.૨૫ ટકાના બદલે છ ટકા થઇ ગયો હતો. સતત બીજી વખત રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ૨૦૧૬માં આની રચના કરવામાં આવ્યા બાદ મોનિટરી પોલિસી દ્વારા બીજી વખત વ્યાજદરમાં ઘટાડો કરાયો હતો. છેલ્લી ફેબ્રુઆરીની પોલિસી બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી ૬.૨૫ ટકા કરાયો હતો. એનપીસીએ ૨૫ બેઝિક પોઇન્ટનો રેટમાં ઘટાડો કરવા ૪-૨ની તરફેણમાં નિર્ણય લીધો હતો. રિવર્સ રેપોરેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ આ દર ૫.૭૫ ટકા થયો હતો.
કમિટિએ નાણાંકીય વર્ષ ૨૦૨૦ના જીડીપી ગ્રોથનો અંદાજ ૭.૨ ટકા આંકયો હતો.અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે. જે વ્યાજ ચુકવવાની જરૂર હોય છે તેને રેપોરેટ કહેવામાં આવે છે. બીજી બાજુ રિવર્સ રેપોરેટ આનાથી બિલકુલ અલગ હોય છે.
બેંકોની પાસે દિવસભર કામકાજ બાદ મોટી રકમ બચી જાય છે. બેંક આ રકમ રિઝર્વ બેંક પાસે રાખી શકે છે જેના ઉપર તેમને વ્યાજ મળે છે જે રકમ ઉપર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે. તમામ બેંકો માટે જરૂરી હોય છે કે, તે પોતાની પાસેના કુલ કેશ રિઝર્વનો એક ચોક્કસ હિસ્સો બેંક પાસે જમા રાખે અને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. ક્યારેક એવું બને છે કે, એક સાથે અનેક જમા કરનાર લોકો પોતાના પૈસા ઉપાડવા માટે બેંકોમાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં બેંક ડિફોલ્ટ ન કરે તે માટે આ રકમ લેવામાં આવે છે. એસએલઆર પણ મહત્વપૂર્ણ બાબત છે. કોમર્શિયલ બેંકો માટે પોતાના દરેક દિવસના કારોબારના અંતમાં રોકડ રકમ, સોના-ચાંદી સરકારી સિક્યુરિટીમાં રોકાણ તરીકે એક મોટી રકમ રિઝર્વ બેંકની પાસે રાખવાની જરૂર હોય છે. જે તે કોઇપણ ઇમરજન્સી દેવાદારીને પૂર્ણ કરવા માટે ઉપયોગ કરી શકે છે. જે રેટ ઉપર બેંક પોતાના પૈસા સરકારની પાસે રાખે છે તેને એસએલઆર કહેવામાં આવે છે.