નવી દિલ્હી : મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાઢેરાની પુછપરછ આજે પણ જારી રહી છે. ત્રીજા રાઉન્ડની પુછપરછમાં હિસ્સો લેવા માટે સવારમાં રોબર્ટ વાઢેરા ઇડીની ઓફિસમાં પહોંચી ગયા હતા. ત્યારબાદથી પુછપરછ શરૂ થઇ રહી હતી. આજે દિવસ દરમિયાન પુછપરછ ચાલુ રહે તેવી શક્યતા છે. અગાઉ કરવામાં આવેલી પુછપરછથી ઇડીના અધિકારીઓ સંતુષ્ટ થયા નથી. તપાસ સંસ્થા એન્ફોર્સમેન્ટ એજન્સીની ઓફિસમાં પુછપરછ માટે આજે સતત ત્રીજા દિવસે યુપીએના અધ્યક્ષ સોનિાય ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરા ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં કલાકો સુધી તેમની પુછપરછ થઇ ચુકી છે.
ત્રીજા રાઉન્ડની પુછપરછમાં હિસ્સો લેવા માટે મધ્ય દિલ્હીના જામનગર હાઉસમાં ઇડી ઓફિસમાં પહોંચ્યા હતા. તેમની વકીલોની ટીમ એક કલાક પહેલા પહોંચી હતી. સુત્રોએ કહ્યુ છે કે રોબર્ટ વાઢેરાની પાસેથી ઇડીએ તેમની લંડનની પ્રોપર્ટી અંગેની વિગત માંગી છે. સાથે સાથે સંજય ભંડારી નામના કારોબારી સાથે તેમના સંબંધની વિગત પણ માંગવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી વાઢેરાને લઇને પ્રશ્નોના જવાબ આપી રહી નથી. ઇડીએ કહ્યું છે કે, લંડન સ્થિત ફ્લેટને ફરાર ડિફેન્સ ડીલર સંજય ભંડારીએ ૧૬ કરોડ ૮૦ લાખ રૂપિયામાં ખરીદી લીધું હતું. ત્યારબાદ રિટેલ કામગીરી માટે તેના પર ૬૫૯૦૦ પાઉન્ડની રકમ વધારાની ખર્ચ કરવામાં આવી હતી છતાં ભંડારીએ ૨૦ ૧૦માં આજ કિંમત ઉપર તેનું વેચાણ રોબર્ટ વાઢેરાના અંકુશવાળી કંપનીને કરી દીધું હતું. ભંડારીની સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ૨૦૧૬માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગનો આ મામલો લંડન સ્થિત એક પ્રોપર્ટી સાથે જાડાયેલા છે.
વાઢેરાના નજીકના સાથી સુનિલ અરોડાની સામે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.આ મામલામાં અરોડાને કોર્ટે ૧૬મી ફેબ્રુઆરી સુધી ધરપકડથી રાહત આપી દીધી છે. આ મામલો લંડનના બાર બ્રાઇન સ્કેવર સ્થિત ૧૭ કરોડ રૂપિયાની એક પ્રોપર્ટીની ખરીદી સાથે સંબંધિત મની લોન્ડરિંગનો કેસ છે. ત્રીજા રાઉન્ડમાં તેમની પુછપરછ શરૂ કરવામાં આવ્યા બાદ રાજકીય ગરમી વધી ગઇ છે.