લાતુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર કોંગ્રેસના ઘોષણાપત્રને બોગસ તરીકે ગણાવીને કહ્યું હતું કે, આ માત્ર કોંગ્રેસના વચનો છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથના સાથીઓ ઉપર આવકવેરા વિભાગના દરોડાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના લોકો છેલ્લા છ મહિનાથી ચોકીદાર ચોર હૈ જેવી બૂમો પાડી રહ્યા હતા પરંતુ હવે પેટીઓમાં નાણાં અને નોટ ભરીને મળી રહ્યા છે. આ નોટ ક્યાંથી નિકળી છે તે તમામ લોકો જાણે છે. મોદીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના ઘોષણાપત્રમાં એવા જ વચન આપવામાં આવ્યા છે જે પાકિસ્તાન દ્વારા ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના લાતુરમાં જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના લોકોના આવાસ અને ઓફિસો ઉપર વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. સતત બે દિવસની દરોડાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના દરબારીઓના ઘરથી પેટીઓમાં નોટના જથ્થા નિકળી રહ્યા છે. નોટથી વોટ ખરીદવાના પાપ તેમની રાજકીય સંસ્કૃતિ રહી છે. છેલ્લા છ મહિનાથી બૂમો પાડી રહ્યા હતા કે, ચોકીદાર ચોર હૈ પરંતુ હવે પૈસા ક્યાંથી નિકળી રહ્યા છે. અસલી ચોર કોણ છે તે બાબત સાબિત થઇ ગઇ છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, આ લોકો દેશવિરોધી વિચારધારા ધરાવે છે.
કોંગ્રેસે કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને કોઇપણ કિંમતે દૂર કરવામાં આવશે નહીં. જે બાબત કોંગ્રેસના ઘોષણાપત્રમાં કરવામાં આવી છે. તે જ બાબતનો ઉલ્લેખ પાકિસ્તાન દ્વારા વારંવાર કરાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં અરાજકતા ફેલાવી રહેલા લોકો સાથે વાતચીત કરવાની ઇચ્છા કોંગ્રેસે વ્યક્ત કરી છે. પાકિસ્તાન પણ વર્ષોથી આવી જ ઇચ્છા રાખે છે જેથી ભારત આવી બાબતોમાં ફસાયેલું રહે. કોંગ્રેસનું કહેવું છે કે, હિંસાવાળા વિસ્તારમાં સેનાને મળેલા વિશેષાધિકારને પરત ખેંચી લેવામાં આવશે. કોંગ્રેસનું કહેવું છે કે, દેશના ટુકડા કરનારને લાયસન્સ આપવામાં આવશે.
દેશદ્રોહના કાનૂનને ખતમ કરવામાં આવશે. મોદીએ જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાન ઉપર હવાઇ હુમલાને લઇને પણ પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પર આક્ષેપ કરતા મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાનની રચના માટે કોંગ્રેસ જવાબદાર છે.