મુંબઈઃ આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી મુજબ જ રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે. ફુગાવાને કાબૂમાં લેવાના હેતુસર આ પગલા લેવામાં આવી રહ્યા છે.
રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો. આજે પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો છે. આરબીઆઈએ તેના ભાગરુપે રેપોરેટની સાથે સાથે રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો છે. આની સાથે જ આ દર વધીને ૬.૨૫ ટકા થયો છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમીટીએ તમામ પાસાઓને ધ્યાનમાં લઇને રેટમાં વધારો કર્યો છે. કમિટિએ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દેશના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ ૭.૪ ટકા રહેવાની વાત કરી છે જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં મોંઘવારીનો દર ૪.૬ ટકા, જુલાઈ-ડિસેમ્બરમાં ૪-૮ ટકા અને આગામી નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મોંઘવારીનો દર પાંચ ટકા રહેવાની વાત કરવામાં આવી છે. આરબીઆઈના આ પગલાના પરિણામ સ્વરુપે બેંકો પણ લોનના વ્યાજદર વધારી શકે છે.
આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં જીડીપી ગ્રોથરેટ ૭.૪ ટકા રહેવાની શક્યતા છે જ્યારે વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથરેટ ૭.૫ ટકા રહેવાનો અંદાજ છે. પટેલે કહ્યું હતું કે, મોનિટરી પોલીસી કમિટિએ મોંઘવારીને ધ્યાનમાં લઇને રેપોરેટમાં વધારો કર્યો છે. રિઝર્વ બેંક દર ત્રણ મહિનામાં આર્થિક નીતિઓની સમીક્ષા કરે છે. આ ગાળા દરમિાયન વ્યાજદરો અથવા તો પોલિસી રેટ ઘટાડવા અથવા વધારવાના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવે છે. આ જાહેરાતની સાથે અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે. જે વ્યાજ ચુકવવાની જરૂર હોય છે તેને રેપોરેટ કહેવામાં આવે છે.
બીજી બાજુ રિવર્સ રેપોરેટ આનાથી બિલકુલ અલગ હોય છે. બેંકોની પાસે દિવસભર કામકાજ બાદ મોટી રકમ બચી જાય છે. બેંક આ રકમ રિઝર્વ બેંક પાસે રાખી શકે છે જેના ઉપર તેમને વ્યાજ મળે છે જે રકમ ઉપર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે. આવી જ રીતે તમામ બેંકો માટે જરૂરી હોય છે કે, તે પોતાની પાસેના કુલ કેશ રિઝર્વનો એક ચોક્કસ હિસ્સો બેંક પાસે જમા રાખે અને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. ક્યારેક એવું બને છે કે, એક સાથે અનેક જમા કરનાર લોકો પોતાના પૈસા ઉપાડવા માટે બેંકોમાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં બેંક ડિફોલ્ટ ન કરે તે માટે આ રકમ લેવામાં આવે છે. આવી જ રીતે એસએલઆર પણ મહત્વપૂર્ણ બાબાત છે.
કોમર્શિયલ બેંકો માટે પોતાના દરેક દિવસના કારોબારના અંતમાં રોકડ રકમ, સોના-ચાંદી અને સરકારી સિક્યુરિટીમાં રોકાણ તરીકે એક મોટી રકમ રિઝર્વ બેંકની પાસે રાખવાની જરૂર હોય છે. જે તે કોઇપણ ઇમરજન્સી દેવાદારીને પૂર્ણ કરવા માટે ઉપયોગ કરી શકે છે. જે રેટ ઉપર બેંક પોતાના પૈસા સરકારની પાસે રાખે છે તેને એસએલઆર કહેવામાં આવે છે.