મુંબઇ : સુપ્રીમ કોર્ટ દ્વારા સૌથી સંવેદનશીલ અયોધ્યા વિવાદની સુનાવણી આગામી વર્ષે જાન્યુઆરી સુધી ટાળી દેવાના નિર્ણય બાદ આ મુદ્દા પર રાજકીય ખેંચતાણ સતત વધી રહી છે. સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના અનેક સંગઠનો હવે મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરવા વટહુકમ લાવવા માટેની માંગ કરી રહ્યા છે.
આવી સ્થિતીમાં ભાજપ પ્રમુખ અમિત શાહ અને સંઘના વડા મોહન ભાગવત વચ્ચે યોજાયેલી બંધ બારણેની બેઠકને ઉપયોગી ગણવામાં આવે છે. આ બેઠક એક કલાકથી વધારે સમય સુધી ચાલી હતી. બેઠકમાં રામ મંદિરના મુદ્દા પર વિસ્તારપૂર્વક વાતચીત થઇ હોવાના હેવાલ મળ્યા છે. સંઘ દ્વારા મંદિર નિર્માણના મુદ્દે આક્રમક વલણ અપનાવવામાં આવ્યા બાદ આ બેઠકને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. સંઘ પ્રમુખ અને શાહ વચ્ચે બંધ બારણે આ બેઠક યોજાઇ હતી.
સુત્રોના કહેવા મુજબ આ બેઠકમાં રામ મંદિર અને સબરીમાલા મંદિર પર ચર્ચા કરવામાં આવી હતી. ભાગવત અને શાહ વચ્ચે આ બેઠકમાં અન્ય પાસા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સંઘ પ્રમુખ ભાગવતે વિજયાદશમીના પ્રસંગે પોતાના સંબોધનમાં ફરી એકવાર રામ મંદિર નિર્માણની વાત કરી હતી. ભાગવતે કહ્યુ હતુ કે આના માટે સરકારે જરૂર પડે તો કાનુન બનાવવા માટે પ્રયાસ કરવા જાઇએ. ભાજપ પ્રમુખ અમિત શાહ પણ આ મુદ્દે જાહેરમાં નિવેદન કરી રહ્યા છે.
ગયા મહિના અમિત શાહે કહ્યુ હતુ કે તેમની ઇચ્છા છે કે રામ મંદિરનુ નિર્માણ ૨૦૧૯થી શરૂ કરી દેવામાં આવે. મોદી સરકાર પર હવે દબાણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. આગામી દિવસોમાં વટહુકમને લઇને કોઇ નિર્ણય કરવામાં આવી શકે છે.શિવ સેના અને એનડીએના અન્ય સાથી પક્ષો પણ મોદી પર હવે દબાણ લાવી રહ્યા છે. કોર્ટમાં મામલો સતત ખેંચાઇ રહ્યો છે.