નવીદિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દિલ્હીમાં આયોજિત ભવિષ્ય કા ભારત કાર્યક્રમના બીજા દિવસે સંઘ પ્રમુખ મોહન ભાગવતે જુદા જુદા વિષયો ઉપર વાત કરી હતી. મોહન ભાગવતે કહ્યું હતું કે, નાગપુરથી સરકાર ચાલતી નથી. ક્યારે પણ ફોન નાગપુરથી જતો નથી. સંઘ બંધારણને માનીને ચાલે છે. બંધારણની વિરુદ્ધમાં જઇને અમે ક્યારે પણ કોઇ કામ કર્યા નથી. આવા કોઇ દાખલા પણ રહ્યા નથી. તેમણે કહ્યું હતું કે, સંઘ અને રાજનીતિ વચ્ચે સંબંધો ઉપર હંમેશા ખુલ્લા મનથી વાત કરી છે.
સરકારની કામગીરીમાં દરમિયાનગીરીના આરોપો અને અટકળોને ફગાવતા મોહન ભાગવતે કહ્યું હતું કે, લોકો અટકળો લગાવે છે કે, નાગપુરથી ફોન જાય છે પરંતુ આ બાબત બિલકુલ ખોટી છે. ભાગવતે કહ્યું હતું કે, નાગપુરથી કોઇ સરકાર ચાલતી નથી. જા કે, તેમણે કબૂલાત કરી હતી કે, કેન્દ્રમાં કામ કરી રહેલા ઘણા લોકો સ્વયંસેવક છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પોતે સ્વયંસેવક રહી ચુક્યા છે જેથી ઘણી બાબતો થાય છે. હકીકતમાં આ લોકો તેમની વયના છે. રાજનીતિમાં તેમનાથી સિનિયર છે. સંઘ કાર્યનો જેટલો અનુભવ તેમની પાસે છે તેનાથી વધારે અનુભવ તેમને રાજનીતિમાં છે. તેમને રાજનીતિ ચલાવવા માટે કોઇની સલાહની જરૂર નથી.
ભાગવતે એમ પણ કહ્યું હતું કે, આ વરિષ્ઠ નેતાઓને કોઇની સલાહની જરૂર નથી. સંઘ પ્રમુખે કહ્યું હતું કે, રાજનીતિ અને સરકારની નીતિઓ ઉપર સંઘનો કોઇ પ્રભાવ નથી. આ લોકો અમારા સ્વયંસેવક છે. સ્વયંસેવકો પોતાનું કામ કરતા રહે છે. એક પ્રશ્નના જવાબમાં ભાગવતે કહ્યું હતું કે, અમે કોઇપણ સ્વયંસેવકને કોઇ વિશિષ્ટ પક્ષ માટે કામ કરવાનું કહેતા નથી.