અમદાવાદ : સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં મુંબઇની સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે એ સમયના ગુજરાતના ડીઆઈજી વણઝારા સહિત કથિત ૨૨ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના આપેલા ચુકાદા બાદ ગુજરાત ભાજપે આજે કોંગ્રેસને આડા હાથે લીધી હતી. ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઇશારે એ વખતે કિન્નાખોરી રાખી ગુજરાત પોલીસ અને ખુદ રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વિરૂધ્ધ ખોટી રીતે કાર્યવાહી થઇ હતી અને તેઓને વર્ષો સુધી ખોટી રીતે હેરાન કરાયા હતા પરંતુ કોર્ટના ચુકાદા પરથી આજે સત્ય લોકોની સામે આવી ગયું છે અને કોંગ્રેસની કિન્નાખોરીનો પર્દાફાશ થઇ ગયો છે.
આ પ્રકારે ભાજપના નેતા આઈ.કે જાડેજાએ કહ્યું કે જે-તે સમયની કેન્દ્રની કોંગ્રેસ સરકારે સીબીઆઈનો ખોટો ઉપયોગ કરીને ગુજરાતના અધિકારીઓને ફસાવ્યા હતા. આવી કિન્નાખોરી કોંગ્રેસ સરકારે કરી હતી. અમે તો પહેલેથી જ કહેતા હતા કે અમારા અધિકારીઓને ખોટા ફસાવવામાં આવી રહ્યા છે. આજે સીબીઆઈ કોર્ટનો ફેસલો આવતાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. સોનિયા ગાંધીએ અને રાહુલ ગાંધીએ દેશની જનતાની માફી માંગવી જોઈએ. જે-જે અધિકારીઓને તંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેમની પણ જાહેરમાં માફી માંગવી જોઈએ. કોર્ટે આ મામલે કોઈ કાવતરું હોવાનો પણ રદિયો આપ્યો છે. તો અમે જ્યારે પહેલી વખત સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોંગ્રેસની જે તે સમયની કેન્દ્ર સરકારની કિન્નાખોરીએ સીબીઆઈનો ખોટો ઉપયોગ કરી હલકી માનસિકતા સાથે અમને પરેશાન કરવામાં આવ્યા છે. કોર્ટના આ ચુકાદા પરથી ગુજરાત પોલીસ અને ભાજપના નેતાઓની સત્યતા ફરી એકવાર પ્રસ્થાપિત થઇ છે
. દરમ્યાન ડી.જી.વણઝારાએ પણ જણાવ્યું કે, અમને જે ન્યાય મળ્યો છે તે ફક્તને ફક્ત ન્યાયંત્રના ભાગરૂપે અમને ન્યાય મળ્યો છે. સોહરાબુદ્દીનના પરિજનોને અન્યાય થયો હોવાનું વિચારી રહ્યા હોવાની વાત પર વણઝારાએ કહ્યું કે મને ન્યાય થયો છે જો કોઈ અન્ય લોકોને અન્યાય થયો હોય એમ વિચારતા હોય તો આ દેશ આઝાદ છે અને વિચારવા માટેની બધાને આઝાદી છે. બીજીબાજુ, સોહરાબુદ્દીનના પરિજનોએ ઉપલી કોર્ટમાં જવાનો ફેસલો લીધો છે. ઉલ્લેખનીય છે કે, ડીજી વણઝારા પર હજુ ઈસરત જ્હાં અને સાજિદ જમાલ કેસ પણ અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં ચાલી રહ્યો છે.