મોદી કિર્ગિસ્તાન જવા રવાના થયા : પુટિન-શિ સાથે બેઠક

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઇ સહયોગ બેઠકમં ભાગ લેવા માટે આજે સવારે કિર્ગિસ્તાન જવા માટે રવાના થયા હતા. મોદી ઓમાન, ઇરાન અને મધ્ય એશિયાના રસ્તે થઇને બિશ્કેક પહોંચનાર છે. આ બેઠકના ભાગરૂપે મોદી રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટિન અને ચીનના પ્રમુખ શી ઝિનપિંગને પણ મળનાર છે. બેઠકમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન પણ હાજરી આપનાર છે. તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પત્ર લખીને વાતચીત મારફતે તમામ વિવાદને ઉકેલવાની વાત કરી હતી પરંતુ ભારતે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આતંકવાદ અને વાતચીત એક સાથે ચાલી શકે નહીં.

આવી સ્થિતિમાં પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રથી મોદીના વિમાનને નહીં લઇ જવાનો નિર્ણય એક સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની આ બેઠકમાં હિસ્સો લેવા માટે મોદી બિશ્કેક જનાર છે.કેન્દ્રના આ નિર્ણય અંગે વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, બિશ્કેક જનારા વિમાન માટે ભારત સરકારે બે વિકલ્પો ઉપર વિચારણા કરી હતી. હવે એવો નિર્ણય કરાયો છે કે, આ વિમાન ઓમાન, ઇરાન, મધ્ય એશિયન દેશો મારફતે બિશ્કેક જશે. બાલાકોટમાં આતંકવાદી અડ્ડાઓ ઉપર ભારતીય હવાઈ દળે હવાઈ હુમલા કર્યા બાદ પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા હતા.

જો કે, માર્ચ-એપ્રિલ મહિનામાં બે વિમાની ક્ષેત્રો ખોલી દીધા હતા. બાકીના નવ વિમાની ક્ષેત્ર હજુ પણ બંધ છે જેના સંદર્ભમાં ૧૪મી જૂનના દિવસે નિર્ણય લેવામાં આવશે. મોદી બિશ્કેક મિટિંગમાં આતંકવાદ સહિતના મુદ્દા ઉપર વાતચીત કરનાર છે. પાકિસ્તાની વડાપ્રધાન સાથે મોદીની કોઇ બેઠક રાખવામાં આવી નથી જે મહત્વપૂર્ણ બાબત છે.

Share This Article