અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસની યાત્રાએ ગુજરાત પહોંચ્યા હતા. ગુજરાત પહોંચ્યા બાદ તેઓ પ્રથમ દિવસે આજે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા જ્યાં એક ભારત શ્રેષ્ઠ ભારત પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે ગૃહમંત્રી રાજનાથસિંહ અને ગૃહરાજ્યમંત્રી હંસરાજ આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભવ્ય પરેડે તમામનું ધ્યાન ખેંચ્યું હતું. મોદીએ ઉત્સુકતાપૂર્વક પરેડ નિહાળી હતી. અહીં પોલીસ મહિનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોના વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન ગઇકાલે ગુરુવારના દિવસે ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું. હવે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આને સંબોધન કરશે.
મોદી આજના દિવસે સંબોધન કરશે. પોલીસ અધિકારીઓની આ બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ, સરહદ પારથી આતંકવાદ, યુવાનોને આતંકવાદ તરફ લઇ જવાના કટ્ટરપંથીઓના પ્રયાસ, આંતરિક સુરક્ષા સહિતના મુદ્દા ઉપર વાતચીત થઇ રહી છે. સુરક્ષા સંબંધિત પાસાઓ પર વિશેષ ચર્ચા થઇ હતી. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વડોદરા વિમાની મથકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવભીનો આવકાર આપ્યો હતો અને આદરપૂર્વક તેમનું અભિવાદન કર્યુ હતું.
પ્રધાનમંત્રીએ દેશના વિવિધ રાજ્યોના પોલીસ વડાઓ અને પોલીસ મહા નિરીક્ષકઓની ૫૩મી વાર્ષિક પરિષદને માર્ગદર્શન આપવા માટે કેવડીયા જવા માટે વડોદરા ખાતે ઉતરાણ કર્યુ હતું. મુખ્યમંત્રીની સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ અને મુખ્ય સચિવ ડા.જે.એન.સિંઘે પણ પ્રધાનમંત્રીને આવકાર્યા હતા. વડોદરા મહાનગરવતી મેયર ડા. જિગીષાબહેન શેઠ અને સાંસદ રંજનબહેન ભટ્ટે પ્રધાનમંત્રીનું પુષ્પસભર સ્વાગત અને અભિવાદન કર્યુ હતું. જિલ્લા કલેકટર શાલીની અગ્રવાલ અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ, પ્રધાનમંત્રીએ ભારતીય વાયુસેનાના હેલીકોપ્ટરમાં કેવડીયા જવા પ્રસ્થાન કર્યુ હતું.