ડિબ્રુગઢ : આસામમાં બ્રહ્મપુત્ર નદી પર બનેલા સૌથી મોટા અને લાંબા રેલ-રોડ બ્રિજનું આજે વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પુલના કારણે અરૂણાચલ અને ચીનની સરહદથી જાડાયેલા અન્ય પ્રદેશોમાં અવર જવર સરળ બનશે. ધેમાજી ડિસ્ટ્રીક્ટ અને ડિબ્રુગઢ જિલ્લા વચ્ચે બનેલા રેલ-રોડ બ્રિજના ઉદ્ઘાટન બાદ મોદીએ આ અંગે વાત કરી હતી. ડિબ્રુગઢમાં સૌથી લાંબા રેલ-માર્ગ પુલનું ઉદ્ઘાટન કરાયું છે. મોદી ખુલ્લી જીપમાં આ પુલ ઉપર ફર્યા હતા.
બ્રહ્મપુત્ર નદી પર બોગી બિલમાં બનેલી ૪.૯૪ કિમી લાંબી અને વ્યૂહાત્મક દ્રષ્ટીએ ઉપયોગી આ પરિયોજના આસામના લોકોને જ નહીં બલ્કે દેશના લોકોને રાહત આપશે. સુરક્ષા માટે પણ ઉપયોગી સાબિત થશે. અગ્રીમ મોરચા ઉપર લશ્કરી ચીજવસ્તુઓ લઈ જવામાં ભૂમિકા અદા કરશે. આ પુલ ઉપર ઈમરજન્સીની સ્થિતિમાં હેલિકોપ્ટર પણ ઉતરી શકશે. બોગી બિલ પુલ આસામ સમજૂતિના એક હિસ્સા તરીકે છે. આની ભલામણ અગાઉ કરવામાં આવી હતી. સંકટના સમયે તેની ભૂમિકા ખાસ રહેશે. પૂર્વ વડાપ્રધાન ગૌડાએ ૨૨મી જાન્યુઆરી ૧૯૯૭ના દિવસે આ પુલની આધારશિલા મુકી હતી પરંતુ આ પુલ ઉપર કામગીરી ૨૧મી એપ્રિલ ૨૦૦૨ના દિવસે વાજપેયી સરકારના સમયે શરૂ થઈ શકી હતી. પુલનો શુભારંભ આજે થઈ રહ્યો છે. વિલંબના પરિણામ સ્વરૂપે ખર્ચમાં ૮૫ ટકાનો વધારો થયો હતો.
શરૂઆતમાં આના ઉપર ખર્ચનો અંદાજ ૩૨૩૦.૦૨ કરોડ રૂપિયા હતો. જે વધીને ૫૯૬૦ કરોડ રૂપિયા થઈ ગયો છે. આ પુલની લંબાઈ પણ અગાઉની નક્કી કરવામાં આવેલી ૪.૩૧ કિમીથી વધારીને ૪.૯૪ કિલોમીટર કરી દેવામાં આવી છે. બ્રહ્મપુત્ર નદીના ઉત્તરીય કિનાર પર રહેતા લોકોને થતી તકલીફને આના લીધે રાહત થશે. પૂર્વોત્તર રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી પ્રણવ જ્યોતિ શર્માએ કહ્યું છે કે ચીનની સાથે ભારતની ૪૦૦૦ કિમી લાંબી સરહદ પૈકી ૭૫ ટકા હિસ્સો અરૂણાચલ પ્રદેશમાં છે. આ પુલ ભારતીય સેના માટે ખૂબ જ અસરકારક રહેશે. બ્રહ્મપુત્ર નદી પર બોગી બિલ પુલ આસામમાં ડિબ્રુગઢ શહેરી ૧૭ કિમીના અંતરે છે. આનું નિર્માણ ત્રણ લેનના માર્ગો અને ડબલ બ્રોડગેજ ટ્રેક સાથે કરવામાં આવ્યું છે. આ પુલ દેશના પૂર્વોત્તર વિસ્તાર માટે લાઈફ લાઈન સમાન રહેશે. આસામ અને અરૂણાચલપ્રદેશના પૂર્વીય ક્ષેત્રમાં બ્રહ્મપુત્ર નદીના ઉત્તર અને દક્ષિણ વચ્ચેના દરિયાકાંઠા વચ્ચે સંપર્ક વધારશે. આનાથી અરૂણાચલપ્રદેશના જુદા જુદા ભાગોમાં લોકોને રાહત થશે.