નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મિશન શક્તિ અંગે ભારતની સફળતાની વાત કરી હતી. દેશવાસીઓને અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની સફળતાની વાત કરી રહ્યા હતા. મિશન શક્તિ હેઠળ લો અર્થ ઓર્બીટમાં એક સેટેલાઇટ તોડી પાડવાની માહિતી મોદીએ આપ્યા બાદ આને લઇને જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી હતી. એકબાજુ ભાજપના નેતાઓએ મોદી હૈ તો મુમકીન હૈની વાત કરીને ફરી એકવાર પ્રશંસા કરી હતી. બીજી બાજુ વિપક્ષી દળોએ આ સફળતા માટે વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી. સાથે સાથે ટીવી સંબોધન કરવા બદલ મોદીની ટિકા પણ કરી હતી.
કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ અંતરિક્ષમાં ભારતની તાકાત વધવાને લઇને કહ્યું હતું કે, ઐતિહાસિક મિશન શક્તિ સફળ બનવા માટે અમારા વૈજ્ઞાનિકો અને દેશની પ્રજા અભિનંદનને પાત્ર છે. અમે લો ઓર્બીટ સેટેલાઇટને તોડી પાડ્યું છે. આનો મતલબ એ થયો કે, ભારત દેશમાં આવનાર કોઇપણ પ્રકારના ખતરાનો સામનો કરવા તૈયાર છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે વૈજ્ઞાનિકોની પ્રસંશા કરી હતી પરંતુ મોદી ઉપર દેશના મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો આક્ષેપ કર્યો હતો. અખિલેશે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આજે મોદીએ ટીવી પર એક કલાકનો સમય રિઝર્વ કરી લીધો હતો. રોજગાર, ગ્રામિણ સંકટ, મહિલા સુરક્ષા સાથેના મુદ્દાઓ તરફથી લોકોનું ધ્યાન અન્યત્ર દોર્યું હતું. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મિશનની સફળતા માટે વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી પરંતુ મોદી ઉપર પ્રહાર કર્યા હતા.
સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ડીઆરડીઓને મિશનની સફળતા માટે તેઓ અભિનંદન આપે છે. આજે જે લક્ષ્યને હાંસલ કરવામાં આવ્યું છે તેની આધારશીલા ૨૦૧૨માં મુકવામાં આવી હતી. સ્પેશ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત અગ્રણી દેશ છે. ભારત માટે આજનો દિવસ ગર્વનો દિવસ છે. ભારતે અંતરિક્ષના ક્ષેત્રમાં સફળતાની શરૂઆત ૧૯૬૨માં પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં કરી હતી. ઇન્દિરા ગાંધીની અવધિમાં પણ વધુ પ્રગતિ થઇ હતી. ઇન્દિરા ગાંધીએ પોતાની સિદ્ધિઓથી હંમેશા ભારતને ગૌરવ અપાવ્યું હતું. બીજી બાજુ કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, આજનો દિવસ ઐતિહાસિક છે. આની ક્રેડિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં પણ આજે ડંકો ધરાવે છે. તમામ વૈજ્ઞાનિકો પણ આના માટે હકદાર છે. ભાજપના નેતાઓએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, ભારતે ફરી એકવાર પોતાની અભૂતપૂર્વ રાષ્ટ્રીય ઇચ્છા શક્તિ દર્શાવી છે જે દેશની સુરક્ષા માટે ખુબ મહત્વપૂર્ણ છે.