મોબ લિંચિંગની ઘટનાઓને લઇને મોદી સરકાર લાલઘૂમ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી: દેશભરમાં સતત થઇ રહેલી મોબ લિંચિંગની ઘટનાઓથી ચિંતિત કેન્દ્ર સરકારે આનો નિકાલ લાવવા માટે એક ઉચ્ચસ્તરીય કમિટિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે કેન્દ્રીય ગૃહ સચિવના નેતૃત્વમાં આ કમિટિની રચના કરી છે જે ચાર સપ્તાહની અંદર રિપોર્ટ સુપરત કરશે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારે ગૃહમંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં એક ગ્રુપ ઓફ મિનિસ્ટર બનાવવાનો પણ નિર્ણય કર્યો છે જે ઉચ્ચસ્તરીય કમિટિની ભલામણો ઉપર વિચારણા કરશે. જીઓએમમાં રાજનાથસિંહ ઉપરાંત વિદેશમંત્રી, કાયદામંત્રી, માર્ગ પરિવહન મંત્રી, જળસંશાધન પ્રધાન અને સામાજિક ન્યાયમંત્રી સામેલ રહેશે. જીઓએમ પોતાના રિપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કરશે.

કમિટિમાં ગૃહ સચિવ ઉપરાંત કાયદાકીય મામલાઓના સચિવ, કાયદાકીય સચિવ, સંસદીય વિભાગના સચિવ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ સામેલ રહેશે. કેન્દ્ર સરકાર મોબ લિંચિંગને દંડ સંબંધિત અપરાધ તરીકે પરિભાષિત કરવા માટે આઈપીસીમાં સુધારા કરી શકે છે. એક મોડલ કાયદાનો મુસદ્દો તૈયાર કરવાના વિકલ્પ ઉપર પણ વિચારણા કરવામાં આવી શકે છે. મોબ લિંચિંગની ઘટનાઓને રોકવા માટે રાજ્ય સરકારોને પણ અપીલ કરવામાં આવી છે.

તાજેતરમાં જ ભીડ દ્વારા માર મારીને લોકોની હત્યા કરી દેવાના અનેક બનાવો બની ચુક્યા છે. રાજસ્થાનમાં શુક્રવારે ગૌ તસ્કરીની શંકામાં અલવરમાં એક વ્યક્તિને માર મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. આવા મામલાઓનો સામનો કરવા અને રોકવા કાયદો બનાવવા માટે સુપ્રીમ કોર્ટે મંગળવારે જ કહ્યું હતું.

Share This Article