પુલવામા હુમલા બાદ ભારત સરકારે જે રીતે એક્શનમાં આવીને કઠોર વલણ અપનાવ્યુ હતુ તે બાબતની નોધ વિશ્વના સ્તર પર લેવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર કેટલી હદ સુધી એલર્ટ છે તે બાબતનો અંદાજ આનાથી જ લગાવી શકાય છે કે મોદીએ અભિનંદનની કસ્ટડી અંગે માહિતી મળતાની સાથે જ વૈશ્વિક મંચ પર પણ પાકિસ્તાનને એકલા કરી દેવા રણનિતી અપનાવી હતી. એકબાજુ ત્રાસવાદીઓના અડ્ડાને ફુંકી મારવામાં આવ્યા અને બીજી બાજુ પાકિસ્તાન પર અભૂતપૂર્વ દબાણ લાવવામાં આવ્યુ હતુ. અભિનંદનને વહેલી તકે મુક્ત કરાવવા માટે વડાપ્રધાને વાતચીતનો સિલસિલો શરૂ કર્યો હતો.
સૌથી પહેલા મોદીએ ત્રણેય સેનાના વડા સાથે અને કેબિનેટ સાથે બેઠક યોજી હતી. એમ કહેવામાં આવે છે કે ભારતે અમેરિકાને સાફ શબ્દોમાં પૂર્ણ યુદ્ધની વાત કરી દીધી હતી. જેના કારણે ટ્રમ્પે પણ તરત જ વધારે સક્રિય થઇને ભારતના આકરા વલણની નોંધ લીધી હતી. ટ્રમ્પે તે પહેલા એક નિવેદનમાં એમ પણ કહ્યુ હતુ કે ભારત ખુબ મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. આ તમામ નિવેદન દર્શાવે છે કે પાકિસ્તાનને ભારતે ચારેબાજુથી ભયભીત કરી દીધા બાદ અભિનંદનને છોડાવી દેવામાં સફળતા મેળવી હતી. વિરોધ પક્ષો જે મોદીને ક્યારેય સારી ક્રેડિટ આપતા નથી તે આ બાબતને ક્યારેય સ્વીકારશે નહીં.
પરંતુ આ વાસ્તવિકતા છે કે મોદી સરકાર એક મજબુત સરકાર અને શક્તિશાળી સરકારની જેમ કામ કરી રહી છે. અભિનંદનને જે રીતે વહેલી તકે છોડાવી લેવામાં આવ્યા અને સાથે સાથે પુલવામા બાદ એક પછી એક દેશના નિવેદન આવવા લાગ્યા હતા તે દર્શાવે છે કે મોદી કેટલા સક્રિય રહેલા છે. તેમની મિત્રતા પણ વૈશ્વિક નેતાઓ સાથે કેટલી મજબુત થઇ છે. મુસ્લિમ દેશો પણ પ્રથમ વખત ભારતની સાથે ઉભા રહ્યા છે. મુસ્લિમ સંગઠનોની બેઠકમાં ૫૦ વર્ષમાં પ્રથમ વખત ભારતને સન્માન સાથે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ જે તેની આજની તાકાત દર્શાવે છે.