મોદી આજે ગુજરાતમાં : જુદા જુદા કાર્યક્રમોને લઈ તૈયારી પૂર્ણ કરાઈ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત પહોંચી રહ્યા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી આણંદમાં અમુલના અતિઆધુનિક ચોકલેટ પ્લાન્ટ સહિત અનેક પ્રોજેક્ટોનું ઉદ્‌ઘાટન કરશે. સાથે સાથે અન્ય જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના આધુનિક સેન્ટરનું પણ ઉદ્‌ઘાટન કરશે. આ ઉપરાંત સોલાર કો.ઓપરેટીવ સોસાયટીનું પણ ઉદ્‌ઘાટન કરશે. તેમના કાર્યક્રમોને લઈને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

મોદીના કાર્યક્રમની શરૂઆત ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચોકલેટ પ્લાન્ટના ઉદ્‌ઘાટન સાથે થશે. અમૂલ બ્રાન્ડની માલિકીનો આ પ્લાન્ટ રહેલો છે. આણંદ જિલ્લામાં મોગર ગામમાં આનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ ખેડૂતોને પણ સંબોધન કરશે. આ પ્લાન્ટ ૧૯૦ કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. અહીં પ્રવર્તમાન પ્લાન્ટના ૬૦૦ ટનની ક્ષમતા સામે મહિને ૧૦૦૦ ટન ચોકલેટનું નિર્માણ થશે. અહીંથી જ મોદી આ જિલ્લાના આંકલાવ તહેસીલના મુજકુવા ખાતે સોલાર એનર્જી કો.ઓપરેટીવ સોસાયટીને લોન્ચ કરશે. વાયા વીડિયો મારફતે આની શરૂઆત કરાવશે. ૧૧ ખેડૂતો દ્વારા સોસાયટીની રચના કરવામાં આવી છે. જેનાથી સોલાર એનર્જી સિંચાઈ માટે ઉત્પન્ન થશે.

મોદી ત્યાર બાદ કચ્છ જિલ્લાના અંજાર ખાતે નેચરલ ગેસ પાઈપ લાઈન સમર્પિત કરશે. જે મુંદ્રા બંદર અને અંજાર વચ્ચે ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ દ્વારા બિછાવવામાં આવી છે. આ ઉપરાંત તેઓ વરસાણા, ભીમસર, અંજાર અને ભુજને જાડતા હાઈવેના ફોરલેન કામ માટે સેરેમનીમાં પણ ભાગ લેશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૩૦ સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે સ્વદેશ દર્શન અંતર્ગત નિર્માણ પામેલા અને મહાત્મા ગાંધીની અનુભૂતિ કરાવતા મ્યુઝિયમનું લોકાર્પણ કરશે.

આ સમારોહ બપોરે ૪-૦૦ વાગે ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં યોજાશે. સાથે સાથે રાજકોટ શહેરમાં આઇ-વે પ્રોજેક્ટ અંતર્ગત સીસી ટીવી કેમેરા લગાવવાના બીજા તબક્કાનો પ્રારંભ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ પણ કરાવશે. આ વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જે શાળામાં અભ્યાસ કરીને પાયાનું શિક્ષણ મેળવ્યું હતું તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ હવે બની છે બાપુના વિચારની સ્વાનુભૂતિનું કેન્દ્ર. રાજકોટમાં મહાત્મા ગાંધીના અભ્યાસ સ્થાન આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં રૂ. ૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ મહાત્મા મ્યુઝિયમનું નિર્માણ રાજ્ય તથા કેન્દ્ર સરકારની સહાયથી કરાયું છે. સ્વદેશ દર્શન યોજના અંતર્ગત નિર્માણ પામેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની રાજકોટ સાથે જોડાયેલી સ્મૃતિની સદૈવ જાળવણી કરવાનો હેતુ છે.

મલ્ટીમીડિયા મિની થીયેટર, મોશન ગ્રાફિક, ઓગ્મેન્ટેડ રિયાલિટી, સર્ક્યુલર વિડીયો પ્રોજેકશન, થ્રીડી પ્રોજેકશન, મેપીંગ ફિલ્મથી ગાંધીજીવન તાદ્રશ્ય થશે. વિશાળ વિડીયો આર્ક વોલ, મોન્યુમેન્ટલ લાઇટીંગ, ગાંધી લાઇબ્રેરી, મ્યુરલ, પ્રાર્થના હાલ, ઇન્ટરેક્ટીવ મોડ ઓફ લર્નિગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીની સુવિધાથી સજ્જ આ મ્યુઝિયમ છે. અદ્યતન ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમથી સમગ્ર શાળામાં વિવિધ પ્રકલ્પ દ્વારા બાપુને વધુ સારી રીતે જાણી સમજી શકાય તે પ્રકારે આ મ્યુઝિયમનું નિર્માણ થયેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાશે. જેમાં આઇવે પ્રોજેક્ટ ફેઝ-૨ અને મવડી ખાતે નિર્માણ પામેલ ૩૮૪ આવાસોનું લોકાર્પણ અને રૈયાધાર ખાતે નિર્માણ પામેલ ૨૪૦ આવાસોમાં સામુહિક ગૃહ પ્રવેશ કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા સમગ્ર રાજકોટના નગરજનોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. શહેરની સરકારી ઇમારતોને શણગારવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજમાર્ગો શણગારવામાં આવ્યા છે. જ્યારે બહુમાળી ભવન પાસે નર્મદા ડેમની પ્રતિમા પાસે લેસર શો પણ યોજાઇ રહ્યો છે. રેસકોર્સ રિંગ રોડને નવોઢાની માફક શણગારવામાં આવ્યો છે.

Share This Article