મોઢવાડિયા દ્વારા મોદી સામે આચારસંહિતા ભંગ ફરિયાદ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  લોકસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાની કુલ ૯૧ બેઠક માટે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાઇ રહ્યું છે. કુલ સાત તબક્કામાં મતદાન યોજાવાનું હોઇ ગરમીની સાથે-સાથે ચૂંટણી માહોલની ગરમી તેમજ ઉત્તેજનામાં વધારો થતો જાય છે. ચૂંટણી પ્રચારમાં જાણે-અજાણે થયેલી ચૂકને લઇ ઉમેદવારો અને રાજકીય પક્ષોના નેતાઓ સામે ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદો પણ નોંધાઇ રહી છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવતાં ગુજરાત લોકસભા ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે.

જા કે, આજે ગુજરાત રાજય ચૂંટણી પંચ દ્વારા આ સમગ્ર કિસ્સો મહારાષ્ટ્રના લાતુરનો હોવાથી મહારાષ્ટ્ર ચૂંટણી પંચને આ ફરિયાદ તપાસ અર્થે ટ્રાન્સફર કરાઇ છે. નીતનવા આક્ષેપ અને પ્રતિઆક્ષેપ અને વિવાદો ઊઠી રહ્યા હોઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વપ્રમુખ અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફર્સ્ટ વોટરને કરાયેલી અપીલના મામલે ચૂંટણી આચારસંહિતા ભંગની કેન્દ્રીય ચૂંટણીપંચને ગઇકાલે ફરિયાદ કરતાં આ બાબત રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત તા.૯ એપ્રિલે મહારાષ્ટ્રના લાતુરમાં ચૂંટણી સભાને સંબોધતાં ફર્સ્ટ વોટરને અપીલ કરતાં જણાવ્યું હતું કે શું આપનો પહેલો વોટ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરનારા જવાનોને સમર્પિત થઇ શકે છે? શું આપનો પહેલો વોટ પુલવામાં જે વીર શહીદ થયા છે તે વીર શહીદોનાં નામ પર સમર્પિત થઇ શકે છે? અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય ચૂંટણીપંચ સમક્ષ ચૂંટણીની આદર્શ આચારસંહિતાના ભંગ તરીકે આ અપીલને ગણાવીને તે અંગે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં મોઢવાડિયાએ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ વડા પ્રધાન મોદી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચૂંટણીપંચ સમક્ષ માગણી કરી છે. દરમિયાન આજે મોઢવાડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને ભાજપે ૨૦૧૪માં પાકિસ્તાનના નામનો ઉપયોગ કર્યો હતો અને હવે ફરીથી વડાપ્રધાને પાકિસ્તાનના નામે વોટ માગ્યા છે. વડાપ્રધાન મોદી શહીદોની શહાદતના નામે વોટ માંગી તેમનું અપમાન કરી રહ્યા છે.

Share This Article