આધુનિક યુદ્ધ રશિયાથી સંપૂર્ણપણે અલગ હશે : પુતિન

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું છે કે રશિયાને ધમકી આપનાર કોઈપણ દેશ સામે કડક પગલાં લેવા જોઈએ. ઉપરાંત તેમણે યુક્રેનને ટેન્ક આપવાના જર્મનીના વચન પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. પુતિને કહ્યું- અમને ફરીથી જર્મન લેપર્ડ ટેન્કથી ખતરો છે, પરંતુ રશિયા સાથેનું આ આધુનિક યુદ્ધ સંપૂર્ણપણે અલગ હશે. તેમણે આ વાત સ્ટાલિનગ્રેડમાં ૮૦ વર્ષ પહેલા નાઝી સૈનિકો સામે રેડ આર્મીની જીતની ઉજવણી કરવા માટેના એક યોજાયેલા સમારોહમાં જણાવી હતી. પુતિને કહ્યું- અમે પશ્ચિમી દેશોની સરહદો પર ટેન્ક મોકલી રહ્યા નથી, પરંતુ અમે તેમને જવાબ આપી શકીએ છીએ અને આ માત્ર બખ્તરબંધ વાહનોના ઉપયોગ સુધી મર્યાદિત રહેશે નહીં.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન સામે યુદ્ધ શરૂ થયું ત્યારથી પુતિને વારંવાર ધમકી આપી છે કે જો સંઘર્ષ વધશે તો તેઓ પશ્ચિમના દેશો સામે પણ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિનિર ઝેલેન્સકીએ આશંકા વ્યક્ત કરી હતી કે રશિયા વધુ હુમલા કરવા માટે સેનાને તૈયાર કરી રહ્યું છે. આ દરમિયાન તેમની સાથે EUના ચીફ ઉર્સુલા વોન ડેર લેયન પણ હાજર હતા. લેયને કહ્યું કે ૨૪ ફેબ્રુઆરીએ બંને દેશો વચ્ચેની યુદ્ધને ૧ વર્ષ થશે. જેને ધ્યાનમાં લેતા EU ટૂંક સમયમાં રશિયા પર નવા પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યું છે. લેયનના જણાવ્યા પ્રમાણે આ પ્રતિંબંધોથી રશિયાની અર્થવ્યવસ્થાને નુકશાન થઈ રહ્યું છે. જેથી રશિયા એક જનરેશન પાછળ ચાલ્યું જશે. આ મહીને અમેરિકા અને જર્મનીએ યુક્રેનને આધુનિક ટેન્ક આપવાનું વચન આપ્યું છે. ત્યારબાદ યુક્રેને લાંબા અંતરની મિસાઈલો અને ફાઈટર જેટની માંગ કરી છે.

યુક્રેનના ડિફેન્સ મિનિસ્ટર ઓલેક્સી રેજનિકોવે દાવો કર્યો છે કે ૨૪ ફેબ્રુઆરીએ યુદ્ધને એક વર્ષ પુરુ થવા પર રશિયા મોટો હુમલો કરવાનો પ્લાન ઘડી રહ્યું છે. આ માટે લાકો સૈનિકોને એકત્રિત કરવામાં આવી રહ્યા છે. રેજનિકોવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે હુમલામે માજ્ઞ ટેન્ક, ફાઈટર જેટ અને મિસાઈલ દ્વારા જ રોકી શકાશે. ૨૫-૨૬ જાન્યુઆરીએ રશિયાના સૈનિકોએ યુક્રેનનાં શહેરો પર ૫૫ મિસાઈલ ઝીંકી હતી, જેમાં ૧૨ લોકોનાં મોત થયાં હતાં. યુક્રેન એરફોર્સે દાવો કર્યો છે કે તેણે ૫૫માંથી ૪૭ મિસાઈલોને તોડી પાડી છે. યુક્રેન સ્ટેટ ઇમર્જન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, રાજધાની કિવમાં ૨૦ મિસાઇલ પડી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ખેરસોન, હલેવાખા સહિત ૧૧ વિસ્તારમાં મિસાઈલો પડી, જેમાં ૩૫ ઈમારત નષ્ટ થઈ ગઈ. આ દરમિયાન અન્ય ૧૧ લોકો ઘાયલ થયા હતા.

Share This Article