જૂનાગઢમાં અતિ ભારે વરસાદે અનેક વિસ્તારમાં તારાજી સર્જી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદને લઈ જર્જરીત અને જૂના બિલ્ડીંગ સામે ખતરો તોળાઈ રહ્યો હતો. આ દરમિયાન એક ત્રણ માળનુ બિલ્ડીંગ ધરાશાયી થયુ હતુ. બિલ્ડીંગ ધરાશાયી થવાને લઈ બચાવ કામગીરી હાથ ધરવામા આવી હતી. આ માટે JCB સ્થળ પર બચાવ કામગીરી માટે મોડુ પહોંચવાને લઈ સ્થાનિક ધારાસભ્ય સંજય કોરડીયા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર રાજેશ તન્ના પર રોષે ભરાયા હતા.
ધારાસભ્ય સંજય કોરોડીયાએ જૂનાગઢ કમિશ્નરને ખખડાવીને જેસીબી મોડુ આવવાને લઈ સવાલો કર્યા હતા. ધારાસભ્ય દ્વારા કરાઈ રહેલા સવાલોને લઈ કમિશ્નર મૌન રહેવાને લઈ ઘારાસભ્ય લાલઘૂમ થઈ ગયા હતા. આ દરમિયાન સ્થળ પર હાજર ક્લેક્ટર દ્વારા વચ્ચે પડીને સમજાવટ કરતા મામલો થાળે પડ્યો હતો. જોકે હાલ તો ધારાસભ્ય દ્વારા લેવાઈ રહેલ ઉધડાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.