મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને આ વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટિ્વટર) પર આની જાહેરાત કરી હતી. તેણે કહ્યું છે કે મિથુનને આ એવોર્ડ 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ દરમિયાન આપવામાં આવશે. આ વર્ષે નેશનલ એવોર્ડનું આયોજન 8 ઓક્ટોબરે કરવામાં આવશે.
મિથુનના નામની જાહેરાત કરતા અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું, “મિથુન દાની યાત્રાએ પેઢીઓને પ્રેરણા આપી છે. દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ આ એવોર્ડ આપવાનો ર્નિણય કર્યો છે. 8 ઓક્ટોબર, 2024ના રોજ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન તેમનું સન્માન કરવામાં આવશે. ગયા વર્ષે વહીદા રહેમાનને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. મિથુન ચક્રવર્તીએ પોતાના ફિલ્મી કરિયરમાં 350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી સિવાય તેણે બંગાળી, ભોજપુરી, તમિલ, ઉડિયા, કન્નડ, તેલુગુ અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું.
મિથુને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 1977માં આવેલી ફિલ્મ મૃગયાથી કરી હતી. મિથુનને તેની પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. કરિયરની શરૂઆતમાં મિથુન ચક્રવર્તીને નાની-નાની ભૂમિકાઓ મળતી હતી. તેણે 1976માં આવેલી ફિલ્મ ‘દો અંજાને’ અને 1978ની ફિલ્મ ‘ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન’માં નાની ભૂમિકાઓ ભજવી હતી. મિથુનને 1979માં આવેલી ફિલ્મ સુરક્ષાથી ખ્યાતિ મળી હતી. ત્યારબાદ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ પ્રેમ વિવાહે તેને વધુ ઓળખ આપી. 1980નો દશક મિથુનના નામે હતો. તેણે હમસે બચલ કૌન, વરદાત, ડિસ્કો ડાન્સર, તકદીર, મુઝે ઈન્સાફ ચાહિયે, બોક્સર, ઘર એક મંદિર, કસમ પડન વાલે કી, બાઝી, આંધી તુફાન જેવી ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું.
મિથુન ચક્રવર્તીનો જન્મ 16 જૂન 1950ના રોજ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં થયો હતો. જન્મ પછી તેનું નામ ગૌરાંગ ચક્રવર્તી રાખવામાં આવ્યું. 4 દાયકાથી વધુ સમયથી ફિલ્મોમાં સક્રિય રહેલા મિથુને રાજકારણમાં પણ હાથ અજમાવ્યો છે. હાલ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે. આ પહેલા તેઓ ટીએમસી તરફથી રાજ્યસભાના સાંસદ પણ હતા.