નવી દિલ્હી : સનસનાટીપૂર્ણ ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કેસમાં ધરપકડ કરવામાં આવેલા વચેટીયા ક્રિશ્ચન મિશેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આજે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરાયો હતો. મની લોન્ડરીંગ કેસના સંબંધમાં ચાલી રહેલી તપાસ મામલે જ્યુડિશિયલ કસ્ટડીની માંગ ઈડી દ્વારા કરવામાં આવી હતી. મિશેલને સ્પેશિયલ જજ અરવિંદકુમાર સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. ઈડી કેસમાં કોર્ટે મિશેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. ૨૬મી ફેબ્રુઆરી સુધી તે જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. જ્યારે સીબીઆઈ કેસમાં તે ૨૭મી ફેબ્રુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. હાલમાં જ તેને દુબઈથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો.
ઈડી દ્વારા ૨૨મી ડિસેમ્બરના દિવસે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અહીંની કોર્ટે સાત દિવસ માટે એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધો હતો. સીબીઆઈ કેસના સંબંધમાં તેને તિહાર જેલમાં હાલ રખાયો હતો. ઈડી તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર ડીપી સિંહ અને એમકે મટ્ટા તરફથી રજુઆત કરાઈ હતી અને કહ્યું હતું કે તપાસ હજુ સુધી યોગ્ય દિશામાં આગળ વધી છે. હવાલા અને મલ્ટપલ બેંક એકાઉન્ટ મારફતે કઈ રીતે રોકડ રકમની ટ્રાન્સફર કરવામાં આવી હતી તે અંગે સફળ રીતે તપાસ થઈ ચુકી છે.
ડિફેન્સ સોદાબાજીના સંદર્ભમાં પણ અન્ય માહિતી હાથ લાગી છે. વધુ તપાસ કરવાની જરૂર દેખાઈ રહી છે. નાણાનાપ્રવાહમાં તપાસની જરૂરીયાત દેખાઈ રહી છે. ઈટાલિયન કોર્ટને પણ ગેરમાર્ગે દોરવામાં આવી હોવાના પુરાવા દસ્તાવેજમાં મળી આવ્યા છે. કોર્ટે અગાઉ ઈડી કસ્ટડીમાં તેમના વકીલોને મળવા મિશેલ ઉપર નિયંત્રણ લાદ્યા હતા અને કહ્યું હતું કે ક્રિશ્ચન મિશેલ કાયદકાકીય પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસમાં છે.