ભારત સમયથી બે ડગલા આગળનું વિચારે તે જરૂરી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રના નામ સંબોધનમાં ભારતની આ ઐતિહાસિક સિદ્ધિ અંગે માહિતી આપી હતી. મોદીએ રાષ્ટ્રના નામ સંબોધનમાં કહ્યું હતું કે, મિશન શક્તિ હેઠળ ભારતે સ્વદેશી એન્ટી સેટેલાઇટ મિસાઇલથી ત્રણ મિનિટમાં એક લાઈવ સેટેલાઈટને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યું છે. મિશન શક્તિની સફળતા માટે દરેક ભારતીયને મોદીએ શુભેચ્છા પાઠવી હતી. આ સેટેલાઇટ એક પૂર્વ નિર્ધાિરત લક્ષ્ય હતું જેને એન્ટી સેટેલાઇટ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. મોદીએ આ અભિયાન સાથે જાડાયેલા વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે,  ભારત પોતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. આ કોઇ દેશની સામે નથી બલ્કે અતિ ઝડપથી વધી રહેલા ભારતની રક્ષાત્મક પહેલ તરીકે છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, આનાથી કોઇ આંતરરાષ્ટ્રીય કાયદા અથવા તો કરારનો ભંગ કરવામાં આવ્યો નથી. ભારત હંમેશાથી અંતરિક્ષમાં હથિયારોની ગળાકાપ સ્પર્ધાની વિરુદ્ધમાં રહ્યું છે. ઉપગ્રહ તોડી પાડવાથી દેશની નીતિમાં કોઇ પરિવર્તન થયું નથી. મોદીએ કહ્યું હતું કે, મિશન શક્તિ એક અત્યંત જટિલ ઓપરેશન હતું જેમાં અતિઆધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આ પહેલા ૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે રાષ્ટરના નામ સંબોધન કર્યું હતું અને એકાએક ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટને બંધ કરી દેવાની ઘોષણા કરી હતી.

ત્યારબાદ આજે ફરી એકવાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે લોકોમાં આને લઇને ભારે ચર્ચા જાવા મળી હતી. ૧૧મી એપ્રિલના દિવસે લોકસભા ચૂંટણીની શરૂઆત થઇ રહી છે. મોદીએ આજે સંબોધનમાં કહ્યું હતું કે, શાંતિ અને સુરક્ષાનો માહોલ બનાવવા માટે એક મજબૂત ભારતનું નિર્માણ જરૂરી છે. આ દુર્લભ સિદ્ધિ છે. નીચલી સપાટીમાં ઉપગ્રહને તોડી પાડવાની બાબત ખુબ મોટી છે. આ સફળતા ખુબ ઓછા દેશો હાંસલ કરી ચુક્યા છે. અમારા પૂર્ણ પ્રયાસો સ્વદેશી છે. અંતરિક્ષ ક્ષેત્રમાં જે કામ કરવામાં આવ્યું છે તે દેશની સુરક્ષા, આર્થિક વિકાસ અને ટેકનોલોજી પ્રગતિ સાથે સંબંધિત છે. અમે આગળ વધી રહ્યા છે અને ભવિષ્યના પડકારો માટે તૈયાર છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે આધુનિક ટેકનોલોજીને સ્વીકાર કરવી પડશે. તેમને પોતાના લોકોની કટિબદ્ધતા, સખત પરિશ્રમ અને સમર્પણ ઉપર પૂર્ણ વિશ્વાસ છે.

અમે ચોક્કસપણે એક થઇને શક્તિશાલી અને ખુશાલ ભારતનું નિર્માણ કરીશું. તેમણે કહ્યું હતું કે, તેઓ એક એવા ભારતની કલ્પના કરે છે જે બે પગલા આગળનું વિચારી શકે અને તેના ઉપર આગળ વધવાનું સાહસ કરી શકે. મોદીએ રાષ્ટ્રના નામ સંબોધન કરવાની વાત કરીને સવારમાં ભારે ચર્ચા જગાવી હતી.

Share This Article